પાકિસ્તાન સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બાદ આ વિષય પર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. 

'પીરિયડ ટેક્સ' સંપૂર્ણપણે નાબૂદ

પાકિસ્તાન સરકારે મહિલાઓના સ્વચ્છતા ઉત્પાદનો પર લાદવામાં આવતો 'પીરિયડ ટેક્સ' અથવા 'પિંક ટેક્સ' સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. તો સાથે જ વસ્તીને નિયંત્રિત કરવા માટે, સરકારે ગર્ભનિરોધકને પણ સંપૂર્ણપણે કરમુક્ત કર્યુ છે. સંસદ સત્ર દરમિયાન આ માહિતી આપતાં માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ સામાન્ય જનતા અને મહિલાઓને મોટી રાહત આપવાનો છે. 

જાણો શું છે 'પિંક ટેક્સ'?

જ્યારે પુરુષો અને મહિલાઓ માટે સમાન ઉપયોગીતા ધરાવતી વસ્તુઓ અથવા સેવાઓ બજારમાં ઉપલબ્ધ હોય, ત્યારે માત્ર 'મહિલાઓ માટે' ના નામે વેચાતી પ્રોડક્ટ્સની કિંમત પુરુષોની પ્રોડક્ટ્સ કરતાં વધુ રાખવામાં આવે છે. તેને પિંક ટેક્સ કહેવાય છે. મહિલાઓ માટેના પિંક રેઝર પુરુષોના બ્લુ રેઝર કરતાં મોંઘા હોય છે. મહિલાઓના પરફ્યુમ, શેમ્પૂ અને કપડાંની કિંમત પણ પુરુષોની સરખામણીએ વધુ જોવા મળે છે.

લિંગ આધારિત માર્કેટિંગનું સ્વરૂપ

તે સરકારી કર નથી. તે ફક્ત લિંગ આધારિત માર્કેટિંગનું સ્વરૂપ છે. જ્યારે કોઈ ઉત્પાદન 'પિંક' રંગમાં અથવા મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવે છે. ત્યારે કંપનીઓ તેની કિંમતમાં વધારો કરે છે. આ ભેદભાવ મહિલાઓના વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો, કપડાં, રમકડાં અને ડ્રાય-ક્લીનિંગ, સલુન્સ જેવી સેવાઓમાં પુરુષોની તુલનામાં સ્પષ્ટપણે જોવા મળે છે. ભારતમાં પિંક ટેક્સ વિશે જાગૃતિ હજુ પણ ખૂબ ઓછી છે. સંશોધન દર્શાવે છે કે લગભગ 67% ભારતીયો આ છુપાયેલા આર્થિક બોજથી અજાણ છે. 


સેનિટરી ઉત્પાદનો પર GST: 

વર્ષ 2018માં જ સેનિટરી નેપકિનને GST માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી હતી. જે આવા લિંગ ભેદભાવ સામે એક મુખ્ય સીમાચિહ્નરૂપ પગલું માનવામાં આવતું હતું. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચની ચેતવણીમાં, પંચે સ્પષ્ટતા કરી છે કે, કંપનીઓએ વાજબી ભાવ નીતિઓનું પાલન કરવું જોઈએ અને લિંગના આધારે અન્યાયી રીતે ભાવમાં તફાવત ન કરવો જોઈએ. 

કેમ ફરી ધ્યાન ખેંચ્યુ પિંક ટેક્સે ?

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી અને મોંઘવારીની વચ્ચે મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકારોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે તેના તાજેતરના બજેટમાં મહિલાઓની મૂળભૂત જરૂરિયાતો પરથી ટેક્સ હટાવવાની જાહેરાત કરી છે. જેના કારણે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

કેવી રીતે બનાવાય છે સેનેટરી પેડ ? 

સેનેટરી પેડ એ મહિલાઓના માસિક ધર્મની સ્વચ્છતા માટે અનિવાર્ય પ્રોડક્ટ છે. જેના માટે વપરાતો કાચો સામાન પણ સૌ કોઇનું ધ્યાન ખેંચે છે. 


ઉત્પાદનનો ખર્ચ:

મોટા પાયે ફેક્ટરીમાં એક સામાન્ય સેનેટરી પેડ બનાવવાનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ આશરે 1થી2 રૂપિયા જેટલો જ આવે છે. પરંતુ, તેના પર લાગતો માર્કેટિંગ ખર્ચ, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બ્રાન્ડ વેલ્યુ ઉમેરાતાં બજારમાં તેની કિંમત ઘણી વધી જાય છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વલણ 

સંયુક્ત રાષ્ટ્ર અને તેની વિવિધ સંસ્થાઓ લાંબા સમયથી 'પિરિયડ પોવર્ટી' એટલે કે, આર્થિક તંગીના કારણે સેનેટરી પ્રોડક્ટ્સ ન ખરીદી શકવવાની સ્થિતિ અને પિંક ટેક્સનો વિરોધ કરતી આવી છે. UNનું માનવું છે કે માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે. તેથી તેનાથી સંબંધિત ઉત્પાદનો પર ટેક્સ વસૂલવો એ માનવાધિકાર અને લિંગ સમાનતાની વિરુદ્ધ છે. UNએ તમામ દેશોને અપીલ કરી છે કે, મહિલાઓની હેલ્થ પ્રોડક્ટ્સ પરના ટેક્સ નાબૂદ કરીને તેને દરેક વર્ગની મહિલાઓ માટે સુલભ બનાવવામાં આવે.

પિરિયડ્સ દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં જો યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે, તો તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. 

1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન 

2. વેજાઈનલ ઈન્ફેક્શન 

3. ઈસ્ટ ઈન્ફેક્શન 

4. બેક્ટેરિયલ વેજિનોસિસ 

5. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ 

6. સર્વાઇકલ કેન્સરનું જોખમ 

સરકારની તિજોરી પર શું અસર ? 

1. સરકારી આવક પર સીધી અસર 

જ્યારે કોઈ સરકાર સેનેટરી પેડ્સ પરથી વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે, VAT અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST હટાવે છે. ત્યારે તેની પ્રથમ અને સીધી અસર તિજોરીની આવક પર થાય છે. સેનેટરી પેડ્સ એ 'ઇનઇલાસ્ટિક ડિમાન્ડ' ધરાવતી પ્રોડક્ટ છે. એટલે કે કિંમત વધે કે ઘટે, મહિલાઓએ તેનો ઉપયોગ કરવો જ પડે છે. આના પરથી ટેક્સ હટાવવાથી સરકારને દર વર્ષે મળતી કરોડો રૂપિયાની નિશ્ચિત ટેક્સ આવક બંધ થાય છે. 

2. સબસિડીનો બોજ

ટેક્સ ફ્રી કરવાનો અર્થ એ નથી કે સરકાર માટે તેની પડતર શૂન્ય થઈ જાય છે. અહીં 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ'નો નિયમ તિજોરી પર પરોક્ષ બોજ વધારે છે. ભલે ફાઇનલ પ્રોડક્ટ ટેક્સ ફ્રી હોય, પરંતુ તેને બનાવવા માટે વપરાતા કાચા માલ પર ઉત્પાદકોએ ટેક્સ ચૂકવવો જ પડે છે. જો સરકાર આ પ્રોડક્ટને 'ઝીરો-રેટેડ' કેટેગરીમાં રાખે, તો ઉત્પાદકોએ કાચા માલ પર ચૂકવેલો ટેક્સ સરકારની તિજોરીમાંથી 'રિફંડ' સ્વરૂપે પાછો આપવો પડે છે. જો સરકાર રિફંડ ન આપે તો ઉત્પાદકો તે ટેક્સનો બોજ કિંમતમાં ઉમેરી દે છે. જેનાથી ગ્રાહકોને ટેક્સ ફ્રી હોવા છતાં કિંમતમાં બહુ મોટી રાહત મળતી નથી.

3. તિજોરી પર પડતી લાંબાગાળાની સકારાત્મક અસરો 

અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, સેનેટરી પેડ્સ ટેક્સ ફ્રી કરવાથી તિજોરીને જે ટૂંકા ગાળાનું નુકસાન થાય છે, તે લાંબા ગાળે દેશના માનવ વિકાસ સૂચકાંક અને જીડીપીમાં મોટા ફાયદા તરીકે પરત આવે છે. અસ્વચ્છતાને કારણે મહિલાઓને થતા ગર્ભાશયના કેન્સર કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસો ઘટે છે. પરિણામે, સરકારના જાહેર આરોગ્ય બજેટ પરનો બોજ કરોડો રૂપિયા ઘટી જાય છે. સેનેટરી પેડ્સ સસ્તા થવાથી સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો ઘટે છે. વધુ શિક્ષિત મહિલાઓ ભવિષ્યમાં વર્કફોર્સનો ભાગ બને છે. જેનાથી ડાયરેક્ટ ટેક્સની તિજોરી મજબૂત થાય છે. 

આ પણ વાંચોઃ  ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ ભારત માટે કેવી રીતે મહત્ત્વની સાબિત થશે?

  • Follow us on: