અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ વિરમગામ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રક કન્ટેનરે પેસેન્જર ભરેલી લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
સુરેન્દ્રનગર ત્રણ રસ્તા પાસે સર્જાયો અકસ્માત
આ હૃદયદ્રાવક ઘટના વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા સુરેન્દ્રનગર ત્રણ રસ્તા નજીક બની હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલી લોડિંગ રિક્ષાને એક બેફામ ગતિએ આવતા ટ્રેલર કન્ટેનર ટ્રકના ચાલકે પાછળથી ધડાકાભેર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષાના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. રિક્ષાને ટક્કર માર્યા બાદ કંટ્રોલ ગુમાવી બેસેલું કન્ટેનર રોડ સાઈડમાં આવેલા એક મોટા ખાડામાં જઈને ખાબક્યું હતું.













