ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલમાં દીકરીઓના લગ્ન અને નાણાકીય લેવડદેવડને લઈને ભારે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. દાંતા, હડાદ, પોશીના, કોટડા અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં સમાજની દીકરીઓને અન્ય સમાજમાં પરણાવવા પાછળ નાણાકીય સોદાબાજી થતી હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સમાજના જ યુવક-યુવતીઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વચેટિયાઓ અને દલાલો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ દીકરીઓના સન્માનની રક્ષા માટે આગેવાનોને આગળ આવવાની અપીલ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર યુવાનોનો ફાટ્યો રોષ અને ગંભીર આરોપો
દાંતા, હડાદ, પોશીના અને ખેડબ્રહ્મા સહિતના આદિવાસી પટ્ટામાં દીકરીઓના લગ્નમાં પૈસાની લેવડદેવડ થતી હોવાના કથિત આક્ષેપો હવે ચર્ચાના કેન્દ્રમાં છે. સમાજના જ જાગૃત યુવાનો અને યુવતીઓ ખુલ્લેઆમ વીડિયો બનાવીને આ પ્રથા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. યુવાનોનો આક્ષેપ છે કે, કેટલાક પરિવારો પૈસાની લાલચમાં આવીને પોતાની દીકરીઓને અન્ય સમાજમાં પરણાવી રહ્યા છે. એટલું જ નહીં, આ આખા કારોબારમાં કેટલાક વચેટિયાઓ અને દલાલો પણ મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. સગીર વયની એટલે કે 15 થી 16 વર્ષની દીકરીઓ માટે પણ લાખો રૂપિયા નક્કી થતા હોવાના ગંભીર આરોપો લગાવાયા છે.

"ગાડીઓ હપ્તેથી મળે છે, દીકરીઓ નહીં!" - યુવાનોનો કટાક્ષ
વાયરલ વીડિયોમાં યુવાનો એવો પણ તીખો સવાલ પૂછી રહ્યા છે કે, જ્યારે અન્ય સમાજના લોકો પોતાની દીકરીઓના લગ્ન આદિવાસી સમાજમાં કરાવવા તૈયાર નથી, તો પછી આપણા સમાજની દીકરીઓને પૈસા ખાતર બીજા સમાજમાં કેમ મોકલવામાં આવે છે? એક યુવાને તો કટાક્ષ કરતાં કહ્યું કે, ગાડીઓ તો હપ્તેથી મળે છે, પણ અહીં દીકરીઓના લગ્નમાં પણ જાણે 2 થી 4 લાખ રૂપિયા હપ્તે-હપ્તે લેવાઈ રહ્યા છે! યુવાનોની સ્પષ્ટ માગ છે કે, દીકરી કોઈ વેચવાની વસ્તુ નથી, પણ તેનું સન્માન અને ભવિષ્ય સૌથી મહત્વનું છે.
પિયરના પ્રસંગોમાં હાજરી આપવામાં દીકરીઓને પડતી મુશ્કેલીઓ
બીજા સમાજમાં પરણેલી કેટલીક દીકરીઓને પોતાના પિયરના સુખ-દુઃખના કે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવા માટે પણ મુશ્કેલી પડી રહી હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે આ પ્રથા સામે સમાજના અગ્રણીઓ સામાજિક જાગૃતિ લાવે અને કથિત દલાલો સામે સામાજિક તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી હવે જોર પકડી રહી છે.
સમાજની આબરૂ અને સંસ્કૃતિની રક્ષા માટે કડક પગલાની આવશ્યકતા
દીકરીઓ એ સમાજની આબરૂ અને ભવિષ્ય છે, ત્યારે પૈસા લઈને લગ્ન કરાવવા કે સોદાબાજી કરવી એ આદિવાસી સંસ્કૃતિ પર મોટો દાગ સમાન છે. સોશિયલ મીડિયા પર ઉઠેલા આ અવાજ બાદ હવે આદિવાસી સમાજના વડીલો, આગેવાનો અને પ્રશાસન આ મામલે કેટલી જાગૃતિ દાખવે છે, અને કયા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Chhotaudepur News: સગીરાઓ અને યુવતીઓના વેચાણનો કાળો કારોબાર! યુવાનોમાં વાંઢા રહી જવાનો ભય