દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના પાટડીયા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કાળચક્રમાં હોમાઈ જતાં કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં રહેતા એક જ પરિવારના બે વહાલસોયા બાળકો બપોરના સમયે શાળાએથી પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ બંને ભાઈઓ ગામના તળાવ ઉપર ન્હાવા માટે ગયા હતા, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
એક જ પરિવારના બે સગા ભાઈઓ ડૂબ્યા
તળાવમાં ન્હાવા પડેલા બંને સગા ભાઈઓ પાણીની ઊંડાઈનો અંદાજ મેળવી શક્યા ન હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવના પાણીમાં ડૂબી જવાને કારણે પ્રિન્સરાજ ઉંમર 11 વર્ષ અને ઋત્વિક ઉંમર 9 વર્ષ નામના બંને માસૂમ બાળકોના શ્વાસ રૂંધાતા મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બંને માસૂમોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.













