બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે સમસ્ત કોળી-ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાઈ ગયું. તાજેતરમાં સમાજના આગેવાન પ્રવિણ મકવાણા પર થયેલા જાનલેવા હુમલાના વિરોધમાં અને સમાજ સાથે થઈ રહેલા કથિત અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતભરમાંથી કોળી અને ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવા નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.


વસ્તી આધારિત બજેટ ફાળવવાની માંગ

સંમેલનમાં મુખ્યત્વે સમાજના અધિકારો અને રાજકીય-સામાજિક અન્યાયના મુદ્દાઓ છવાયા હતા. આગેવાનોએ એકસૂરે માંગ કરી હતી કે સમાજના નિર્દોષ યુવાનો પર કરવામાં આવેલા ખોટા પોલીસ કેસો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. આ ઉપરાંત, કોળી-ઠાકોર વિકાસ નિગમમાં સમાજની વસ્તીના સપ્રમાણના આધારે પૂરતું બજેટ ફાળવવામાં આવે તેવી આર્થિક માંગ પણ સરકાર સમક્ષ મૂકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

વિકાસ સાથે એકતા મજબૂત કરવા પર ભાર

આ સંમેલન માત્ર વિરોધ પૂરતું સીમિત ન રહેતા સમાજના આંતરિક સુધારા પર પણ કેન્દ્રિત રહ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સમાજની પ્રગતિનો સાચો પાયો શિક્ષણ છે, તેથી શૈક્ષણિક અને આર્થિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. સમાજમાં વ્યાપેલી કુરિવાજો દૂર કરી એકતા મજબૂત કરવા અને ભવિષ્યમાં શૈક્ષણિક સંકુલો તેમજ હોસ્ટેલનું નિર્માણ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલને સમગ્ર પંથકમાં કોળી સમાજની સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: