ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત છે. આ અંતર્ગત વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. મહારાષ્ટ્ર રાજ્યના એક ગંભીર ગુનામાં છેલ્લા 6 મહિનાથી પોલીસને હાથતાળી આપીને નાસતો-ફરતો એક શાતિર આરોપી વેરાવળ શહેરમાં છુપાયો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચોક્કસ પ્લાન બનાવી દરોડો પાડી આ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.


નઈમ પંજા પોક્સો અને અપહરણના ગુનામાં હતો વોન્ટેડ

પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની પૂછપરછ કરતા તેની ઓળખ 24 વર્ષીય નઈમ મુસ્તાકભાઈ પંજા તરીકે થઈ છે. આ આરોપી મહારાષ્ટ્રમાં નોંધાયેલા એક અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં તેના વિરૂદ્ધ સગીરાનું અપહરણ, બળાત્કાર, પોક્સો (POCSO) એક્ટ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ છેલ્લા અડધા વર્ષથી તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે પોતાની ધરપકડ ટાળવા માટે સતત લોકેશન બદલીને અંતે ગુજરાતના દરિયાકાંઠાના વેરાવળ શહેરમાં આવીને આશરો લઈ રહ્યો હતો.

કાનૂની કાર્યવાહી બાદ આરોપીને મુંબરા પોલીસને સોંપાયો

વેરાવળ સિટી પોલીસે આરોપી નઈમ પંજાની અટકાયત કરીને કાયદેસરની પ્રાથમિક ઓપચારિકતાઓ પૂર્ણ કરી હતી. ત્યારબાદ આ મામલે મહારાષ્ટ્રની સંબંધિત મુંબરા પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. વેરાવળ પોલીસે તમામ કાનૂની દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો મુંબરા પોલીસની ટીમને સોંપી દીધો છે. રાજ્ય બહારના આવા ગંભીર અને નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડવામાં ગીર સોમનાથ પોલીસે વધુ એક વખત પોતાની ઉચ્ચ વ્યાવસાયિક કુશળતા અને સજાગતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: