દરિયાકાંઠાના ગીર સોમનાથ જિલ્લામાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વીજ માળખાના વિકાસ માટે કુલ 93 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા જેવી આપત્તિઓ દરમિયાન પણ વીજળી ગુલ થવાની સમસ્યા ભૂતકાળ બની જશે.
સૂત્રાપાડામાં MVCC પ્રોજેક્ટનું લોકાર્પણ અને લેટિસ પોલનું ખાતમુહૂર્ત
આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા ખાતે 60.43 કરોડના ખર્ચે તૈયાર થયેલા MVCC કેબલ પ્રોજેક્ટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 43 ફીડર પર 607 સર્કિટ કિલોમીટર સુધી એમ.વી.સી.સી.ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાઈ છે. આ સાથે જ ભવિષ્યમાં કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા 33 કરોડના ખર્ચે વાવાઝોડા પ્રતિરોધક 'લેટિસ પોલ નેટવર્ક'નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના 137 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત લેટિસ પોલ નાખવામાં આવશે.













