રાજકોટ જિલ્લાના ગોંડલ નજીકથી પસાર થતી અને લોકમાતા ભાદર નદી આધારિત મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ પાસે આવેલા રામદ્વારથી ઉમવાળા ચોકડી તરફ જતા વ્યસ્ત સર્વિસ રોડ પર આ પાઇપલાઇન અચાનક ફાટી ગઈ હતી. પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર એટલું ભયંકર અને તીવ્ર હતું કે પાણીએ મજબૂત ડામર રોડને વચ્ચેથી ચીરી નાખ્યો હતો અને જોતજોતામાં રોડ પર પાણીના મસમોટા અને ઉંચા ફુવારા ઉડવા લાગ્યા હતા.
વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકો અટવાયા
સર્વિસ રોડ પર પાણીના પ્રચંડ ફુવારા ઉડવાના કારણે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તીવ્ર દબાણ સાથે નીકળતા પાણીની સાથે રોડના પથ્થરો, કાંકરા અને ધૂળ પણ હવામાં ઉડી રહ્યા હતા, જેના લીધે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોના વાહનો પલળી ગયા હતા અને વિઝિબિલિટી ઓછી થતાં અકસ્માતનો ભય સર્જાયો હતો. આ અણધારી આફતના કારણે થોડીવાર માટે હાઈવે અને સર્વિસ રોડ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો અને વાહનોની ગતિ થંભી ગઈ હતી.













