રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન નીચે એક આશરે ૨૫ વર્ષીય અજાણ્યા યુવકે અચાનક ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. ગોમટા નજીક રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ટ્રેન ઉપડતા જ યુવકે લગાવી મોતની છલાંગ 

 આ આઘાતજનક ઘટના ગોમટા રેલવે સ્ટેશનથી રાજકોટ તરફ જતી રેલવે લાઇન પર સાંઢીયા પુલ અને ગુંદાળા ફાટક વચ્ચે બની હતી. ટ્રેન નંબર 59422 (વેરાવળ-રાજકોટ લોકલ) ગોમટા સ્ટેશનથી ઉપડીને આગળ વધી રહી હતી, ત્યારે ગણતરીની મિનિટોમાં જ પિલર નંબર 43/2/3 પાસે એક યુવકે ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ટ્રેનની અડફેટે આવતા જ ગંભીર ઇજાઓ થવાના કારણે આશરે 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

યુવકના મૃતદેહને ગોંડલ સિવિલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક યુવકની ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ તેની પાસેથી ન મળતાં હાલ તેની ઓળખ એક અજાણ્યા યુવક તરીકે થઈ છે. સ્થાનિક શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવાન કોણ હતો, ક્યાંનો વતની હતો અને તેણે કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું, તે દિશામાં રેલવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: