રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી કાળજુ કંપાવી દેતી હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી હનુમાન ધાર પાસેની એક વાડીમાં વહેલી સવારે મૂળ મધ્યપ્રદેશની પરપ્રાંતીય મહિલા ગુંદલીબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે, ઘટનાની ગંભીરતાને જોઈને એક્શનમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મુખ્ય આરોપીને દબોચી લીધો છે.


પીછો કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ મૃતક મહિલાનો સગો પતિ ભકનભાઈ ભારેલા જ નીકળ્યો છે. ભકનભાઈ પોતાની પત્ની ગુંદલીબેનના ચારિત્ર્ય પર અવારનવાર શંકા રાખતો હતો, જેને લઈને વહેલી સવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ભકનભાઈ ગુસ્સામાં અંધ થઈ ગયો હતો. ગુંદલીબેન પોતાનો જીવ બચાવવા માટે ઓરડીની બહાર ભાગ્યા ત્યારે નરાધમ પતિએ ઓરડીનો દરવાજો તોડી નાખ્યો હતો અને પીછો કરીને લાકડાના ધોકા વડે આડેધડ ઘાતકી ફટકા મારીને પત્નીને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હત્યારો ઝડપાયો

બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના સગા બનેવી ભકનભાઈ ભારેલા વિરુદ્ધ બહેનની હત્યાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસની સંવેદનશીલતાને ધ્યાને લઈને ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ભાગવાની ફિરાકમાં રહેલા હત્યારા પતિને ગણતરીના કલાકોમાં જ રાઉન્ડઅપ કરી લીધો હતો.

નવી કલમો (BNS) હેઠળ ગુનો દાખલ, પી.આઈ. ગઢવી દ્વારા તપાસ તેજ

ગોંડલ બી ડિવિઝન પોલીસે આરોપી ભકનભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) (હત્યા માટેની સજા), કલમ 115(2) અને જીપીએક્ટ કલમ 135 મુજબ સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધી લીધી છે. હાલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર (P.I.) એસ.જી. ગઢવી દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને ઘટનાસ્થળના પંચનામા સહિતની આગળની કાયદેસરની કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: