ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને પવિત્ર ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક ઉત્સવને પગલે શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે આવી પહોંચ્યા છે. જો કે, ભક્તોના આ ભારે ધસારાના કારણે ડાકોર, ઠાસરા અને અંબાવ જવાના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી જ કલાકો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે હજારો વાહનચાલકો અને યાત્રિકો કાળઝાળ ગરમી વચ્ચે રસ્તા પર જ અટવાઈ પડ્યા છે.
જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
નવાઈની વાત એ છે કે, ખુદ ઠાસરા પોલીસ મથકની બિલકુલ બહાર જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, છતાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. યાત્રિકો અને સ્થાનિક રહીશોમાં ટ્રાફિક અને ઠાસરા પોલીસની ભારે નિષ્ક્રિયતા સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આક્ષેપો થઈ રહ્યા છે કે રોજિંદા દિવસોમાં તોતિંગ દંડ વસૂલવા માટે ગળતેશ્વર-સેવાલીયા હાઈવે પર સતત ફરતી જિલ્લા ટ્રાફિક પોલીસ આવા સંવેદનશીલ સમયે ઘટનાસ્થળેથી ગાયબ જોવા મળી હતી. ટ્રાફિકના યોગ્ય આગોતરા આયોજનના અભાવે આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.













