ખેડા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન અને યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી વહીવટી તંત્રની આંખ ઉઘાડતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રવિવારની રજાના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિર અને મહી નદીના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓના ભારે ધસારા અને અંબાવ ફાટક પાસેના ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે અહી કિલોમીટરો લાંબો ચક્કાજામ સર્જાયો હતો. આ ગંભીર જામની વચ્ચે એક દર્દીને લઈને જઈ રહેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઈ પડી હતી, જેને કારણે દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું.
અંબાવ ફાટક બન્યું માથાનો દુખાવો
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગળતેશ્વરના અંબાવ પાસે આવેલા રેલવે ફાટકના કારણે આ પ્રકારના દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે. ખાસ કરીને રવિવાર, જાહેર રજાઓ અને ધાર્મિક તહેવારોના દિવસોમાં જ્યારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના ખાનગી વાહનો લઈને અહીં આવે છે, ત્યારે ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની જાય છે. નવાઈની વાત એ છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ આ કાયમી સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં, આજ દિન સુધી આ ટ્રાફિક આફતનું કોઈ કાયમી નિવારણ કે ઓવરબ્રિજ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.













