નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે વલસાડ-ડાંગ એસીબી (ACB)ની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. જમીન સંબંધિત સરકારી મંજૂરીઓ આપવાના બહાને લાંચની માંગણી કરનારા બે શખ્સો એસીબીના સકંજામાં આવી ગયા છે. ફરિયાદીને પોતાની જમીનમાંથી માટી બહાર લઈ જવા માટે ગ્રામ પંચાયતની એનઓસી (NOC), નકશો અને પેઢીનામું તૈયાર કરાવી આપવાનું હતું. આ કાયદેસરની વહીવટી કામગીરી કરી આપવાના અવેજ પેટે આરોપીઓ દ્વારા 40 હજાર રૂપિયાની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી.


ચીખલીની ઓફિસમાં ગોઠવાયેલું લાંચનું છટકું

ભ્રષ્ટ અધિકારીઓને પાઠ ભણાવવા માટે ફરિયાદીએ આ અંગે વલસાડ-ડાંગ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીની ટીમે પૂર્વઆયોજિત પ્લાન મુજબ ચીખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર ખાતે આવેલી એક કોન્ટ્રાક્ટરની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ સ્થળે નવસારી જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અને તલાવચોરા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કમલેશ દેસાઈ (રબારી) અને તેમનો વચેટિયો ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા. બરાબર એ જ સમયે એસીબીના અધિકારીઓએ ત્રાટકીને બંનેને રૂ. 40,000ની રોકડ રકમ સાથે રંગેહાથ દબોચી લીધા હતા.

જિલ્લાના સરકારી આલમમાં ભારે ખળભળાટ

જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ કક્ષાના હોદ્દેદાર જ પોતે ભ્રષ્ટાચારના આ કેસમાં મુખ્ય આરોપી તરીકે પકડાતા નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના સરકારી તેમજ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસીબીની ટીમે ભ્રષ્ટાચારી અધિકારી કમલેશ દેસાઈ અને તેના સાથીદાર વચેટિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપ બાદ એસીબી દ્વારા આરોપીઓની અસ્કયામતો અને અન્ય સરકારી દસ્તાવેજોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: