પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાંથી વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘોઘમ્બાના ખરખડી-ભાણપુરા ગામ પાસે મુસાફરોથી ભરેલા એક છકડા રિક્ષા અને ટાટા પંચ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


નવા ઝાંખરિયા ગામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત

પેસેન્જર છકડો રિક્ષા મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી ત્યારે ખરખડી-ભાણપુરા રોડ પર સામેથી આવી રહેલી પુરપાટ ઝડપે દોડતી ટાટા પંચ કારના ચાલકે છકડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છકડામાં સવાર નવા ઝાંખરિયા ગામની એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન બીજી મહિલાનું પણ મોત

અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન અન્ય એક ઘવાયેલી મહિલાએ પણ દમ તોડી દેતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. અકસ્માત બાદ ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને ફરાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો




  • Follow us on: