પંચમહાલ જિલ્લામાં કેફી પદાર્થો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.


અન્ય પાકની આડમાં થતી હતી નશાની ખેતી

ઘોઘંબાના ગુણેશિયા ગામે રહેતા મંગાભાઈ શનાભાઈ નાયક નામના શખ્સે પોતાના ખેતરમાં કોઈને શંકા ન જાય તે રીતે અન્ય પાકની આડમાં લીલા ગાંજાના છોડ વાવ્યા હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 16 નંગ લીલા છોડ મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય લીલા ગાંજાના આ જથ્થાનું તોલમાપ કરતા તેનું કુલ વજન 9.050 કિલોગ્રામ (આશરે 9 કિલો) જેટલું થવા જતું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.4,52,500 (ચાર લાખ બાવન હજાર પાંચસો) આંકવામાં આવી છે.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે તમામ 9.050 કિલોગ્રામ લીલા ગાંજાનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને આરોપી મંગાભાઈ શનાભાઈ નાયકને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. આ મામલે આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ નશાનો કારોબાર ક્યારથી ચાલતો હતો, આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને તેની સાથે અન્ય કોઈ સ્થાનિક કે બહારના એજન્ટો સંડોવાયેલા છે કે નહીં, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને આગળની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: