પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે એસ.ઓ.જી. (SOG) પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લાના હારીજ અને સમી તાલુકામાંથી કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ નકલી ડોક્ટરો ગ્રામીણ વિસ્તારના ભોળા નાગરિકોની સારવાર કરીને તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા હતા, જેની બાતમી મળતાં જ પોલીસે સપાટો બોલાવ્યો છે.


જુનામાકા અને માંડવી ગામેથી આરોપીઓની ધરપકડ

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટણ SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે હારીજ તાલુકાના જુનામાકા ગામે અને સમી તાલુકાના માંડવી ગામે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જુનામાકા ગામેથી ગેરકાયદેશર ક્લિનિક ચલાવતા સંજયભાઈ હરિશંકર વ્યાસ અને માંડવી ગામેથી નરેશ કુમાર જયંતિજી વાઘેલા નામના બે નકલી ડોક્ટરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શખ્સો ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ ચલાવતા હોવાનું ખૂલ્યું છે.

એલોપેથિક દવાઓ સહિત રૂ.35,901નો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ બંને બોગસ ડોક્ટરોના ક્લિનિક પરથી કોઈ પણ અધિકૃત ડિગ્રી વિના રાખવામાં આવેલી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને દર્દીઓની સારવાર માટે વપરાતા વિવિધ મેડિકલ સાધનો કબ્જે કર્યા છે. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ.35,901ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગર તબીબ બની બેઠેલા આવા લેભાગુ તત્વો સામેની આ કડક કાર્યવાહીથી અન્ય નકલી ડોક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: