અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ ખાતે આજે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર લાઇનદોરી નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવવાની એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેરાળા ગામની ગૌચર અથવા સરકારી જમીન પર કેટલાક તત્વો દ્વારા લાંબા સમયથી પાકા અને કાચા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ મામલે બાવળા તાલુકા પંચાયત કચેરી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
જાગૃત નાગરિકની અરજી બાદ તંત્ર આવ્યું એક્શન મોડમાં
મળતી માહિતી મુજબ, કેરાળા ગામમાં દિન-પ્રતિદિન વધી રહેલા આ ગેરકાયદે દબાણોને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા પુરાવાઓ સાથે બાવળા તાલુકા પંચાયત અને ઉચ્ચ કક્ષાએ લેખિત અરજી કરવામાં આવી હતી. નાગરિકની આ કાયદેસરની રજૂઆતને પગલે તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. મુદત પૂર્ણ થવા છતાં સ્વેચ્છાએ દબાણ ન હટાવાતા આખરે આજે વહીવટી તંત્રએ કડક વલણ અપનાવી દબાણ તોડી પાડવાની આખરી કામગીરી શરૂ કરી હતી.













