વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે 14 જૂનની રાત્રે હથિયારધારી ટોળકીએ મચાવેલા આતંકના વાયરલ વીડિયો મામલે આખરે મંજુસર પોલીસ સખત એક્શનમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાને પડકારતી આ ઘટનાની ગંભીરતાને જોઈને ખુદ પોલીસ સરકાર તરફથી ફરિયાદી બની છે. હેડ કોન્સ્ટેબલ રાજુભાઈની ફરિયાદના આધારે મંજુસર પોલીસે સરપંચના પુત્ર સહિત કુલ 8 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનો નોંધી કાનૂની સપાટો બોલાવ્યો છે.


તલવાર, ધારીયા અને પિસ્તોલ જેવા હથિયારો સાથે ધમકી 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 14 જૂનની રાત્રે લામડાપુરા ગામે સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ પરમારે બહારથી ભાડૂતી ગુંડાઓની ટોળકી બોલાવી હતી. આ અસામાજિક તત્વો હાથમાં તલવાર, ધારીયા, ફરસી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે ગામમાં ત્રાટક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ પોતાની કમર પર પિસ્તોલ જેવું હથિયાર લટકાવીને ફરતો દેખાઈ રહ્યો છે. આ ટોળકીએ જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી, વાહનોમાં તોડફોડ કરી હતી અને ગ્રામજનોને "જો ગોળી મારીશું તો મોંમાંથી લોહીનો ફુવારો નીકળશે" જેવી ધમકીઓ આપી ગામમાં દહેશતનો માહોલ ઊભો કર્યો હતો.

આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને ગામમાં ભારે તણાવ વ્યાપી જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મંજુસર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે. કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે પોલીસ પોતે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. હાલમાં મુખ્ય સૂત્રધાર સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ પરમાર અને તેના સાગરીતો ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવા માટે જુદી જુદી ટીમો સક્રિય કરી છે અને તમામ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: