વલસાડ જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે ક્યાંક પાણી ભરાવાની તો ક્યાંક જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વલસાડના જાણીતા મોટા બજાર વિસ્તારમાં આવેલી એક વર્ષો જૂની લાઇબ્રેરીની દીવાલ અચાનક ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. સતત પડી રહેલા વરસાદના કારણે આ જર્જરિત લાઇબ્રેરીની ઇમારત વધુ નબળી પડી ગઈ હતી, જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો.
વોહરા મસ્જિદ પાસે લાઇબ્રેરીનો એક ભાગ તૂટ્યો
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના મોટા બજાર નજીક આવેલી વોહરા મસ્જિદ પાસે આ જૂની લાઇબ્રેરી આવેલી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ લાઇબ્રેરીનો એક તરફનો આખો ભાગ જોરદાર ધડાકા સાથે નીચે તૂટી પડી હતી. દીવાલ ધરાશાયી થતાં જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પાલિકાની ટીમ ઘટના સ્થળે, કાટમાળ હટાવવાની કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાલિકાના કર્મચારીઓ દ્વારા રસ્તા પર અને આસપાસ ફેલાયેલો દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ન નડે. આ સાથે જ ઇમારતના અન્ય જોખમી ભાગને સુરક્ષિત કરવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ છે કે, જ્યારે આ દીવાલ ધરાશાયી થઈ ત્યારે તેની આસપાસ કોઈ હાજર ન હતું. ભરચક ગણાતા મોટા બજાર વિસ્તારમાં આ ઘટના બની હોવા છતાં, સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા કે કોઈ જાનહાનિ થઈ નથી. નગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને લોકોને આવી જર્જરિત ઇમારતોથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો - Valsad News: કપરાડા, પારડી અને નાનાપોન્ધામાં ધોધમાર વરસાદ, જુઓ Video