વલસાડ જિલ્લા પોલીસ લાઈન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક હાઈપ્રોફાઈલ વિવાદ સામે આવ્યો છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના કોન્સ્ટેબલ કનકસિંહ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી નાગરિક પર દાદાગીરી કરવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ચકચારી પ્રકરણને 'સંદેશ ન્યૂઝ' દ્વારા અગ્રતાના ધોરણે પ્રસારિત કરવામાં આવ્યું હતું. મીડિયામાં આ અહેવાલ વહેતો થતાં જ વલસાડ જિલ્લા પોલીસ પ્રશાસનમાં મોટો ખળભળાટ મચી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.
પારડીના યુવકને ઢોર માર માર્યાનો લગાવ્યો આક્ષેપ
ઘટનાની વિગત એવી છે કે, વલસાડના પારડી વિસ્તારમાં રહેતા યોગેશ પટેલ નામના નાગરિકે એલસીબી કોન્સ્ટેબલ કનકસિંહ સામે શારીરિક સતામણી અને મારપીટનો ગંભીર આક્ષેપ કર્યો છે. યોગેશ પટેલના જણાવ્યા મુજબ, કોન્સ્ટેબલે કાયદો હાથમાં લઈને તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને કોઈ પણ સત્તાવાર કારણ વિના તેમને ઢોર માર માર્યો હતો. પીડિત યુવકે ન્યાય માટે મીડિયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી, જેના કારણે આ વિવાદે જોર પકડ્યું હતું.













