વાવ-થરાદના કુવાણા ગામમાં ધોળા દિવસે બનેલા સનસનીખેજ શામળાભાઈ ભીલ હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારી આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ વાવ અને થરાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર મુખ્ય 5 આરોપીઓને રાઉન્ડઅપ કરીને જેલના સકંજામાં ધકેલી દીધા છે.
જૂની અદાવતનો બદલો લેવા રચાયું હતું ખૂની ખેલ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ઘાતકી હત્યા પાછળ કોઈ તાત્કાલિક ઝઘડો નહીં, પરંતુ વર્ષો જૂની અદાવત જવાબદાર હતી. આ જૂની અદાવત અને વેરનો બદલો લેવા માટે હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. ગત દિવસે હુમલાખોરો લક્ઝુરિયસ ગાડીઓ જેવી કે સ્કોર્પિયો અને ઇનોવા લઈને કુવાણા ગામે ત્રાટક્યા હતા અને શામળાભાઈ ભીલ પર અચાનક હુમલો કરી દીધો હતો.
પિસ્તોલ અને ધારિયાથી કરાયો હતો હુમલો
આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા હોય તેમ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે શામળાભાઈ પર જીવલેણ હુમલો કરવા માટે પિસ્તોલ અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હથિયારોના આડેધડ ઘા ઝીંકીને શામળાભાઈને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી.
10થી વધુ ટીમો અને 100 CCTVના સર્વેલન્સથી સફળતા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઘટનાની ગંભીરતા જોઈને વાવ અને થરાદ પોલીસની 10થી વધુ સ્પેશિયલ ટીમો અલગ-અલગ દિશામાં દોડાવવામાં આવી હતી. પોલીસે હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોના 100થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હુમલાખોરો કઈ દિશામાં ભાગ્યા છે, તેનો સચોટ રૂટ ટ્રેસ કરી લેવાયો હતો અને નાકાબંધી કરીને પાંચેય આરોપીઓને દબોચી લેવાયા હતા. ત્વરિત કાર્યવાહી કરીને કેસ ઉકેલી દેવા બદલ સ્થાનિકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી છે.
આ પણ વાંચો - Vav-Tharad News: લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે કરપીણ હત્યા: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર