બનાસકાંઠા સરહદી વિસ્તારના વાવ-થરાદ નજીક આવેલા લાખણી તાલુકાના કુવાણા ગામે ધોળા દિવસે એક સનસનાટીભરી અને કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. કુવાણા ગામમાં અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ લોહીયાળ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચોંકાવનારી હત્યાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાહેર રોડ પર ઘાતકી હત્યાથી ફફડાટ
પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં હત્યા કરનાર આરોપીઓ અને જેની હત્યા થઈ છે તે મૃતક યુવક કુવાણા ગામના સ્થાનિક રહીશ નથી પરંતુ બહારના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર કે જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી, જે બાદ હત્યારાઓએ ઉશ્કેરાઈને તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યા બાદ હત્યારો ત્યાંથી નાસી છૂટ્યા હતા. વાયરલ સીસીટીવી ફૂટેજમાં હત્યારાઓની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.













