બનાસકાંઠાના વાવ-થરાદમાં પોલીસ તંત્ર દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ, આ મામલે સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. ફરજ પ્રત્યેની આ ઘોર લાપરવાહીને પગલે ઉચ્ચ પોલીસ વહીવટી તંત્ર એકાએક એક્શન મોડમાં આવી ગયું છે. સજાના ભાગરૂપે માવસરી પોલીસ મથકના પીઆઈની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે, જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


એસપી ચિંતન તેરૈયાનો સપાટો અને પોલીસ બેડામાં ફફડાટ

આ સમગ્ર સપાટો અને કડક શિસ્તભંગના પગલાંનો આદેશ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે પણ માવસરી પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસની નાક નીચેથી આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પકડાયો, તે બાબતને જિલ્લા પોલીસ વડાએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ કર્મચારીઓની મિલીભગત અથવા તો ફરજ પ્રત્યેની ઘોર શિથિલતા છતી થતાં જ એસપી ચિંતન તેરૈયાએ આ આકરો વહીવટી કોરડો વીંઝ્યો છે.

બેદરકારી દાખવનાર કર્મચારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

દારૂના આ દરોડા બાદ પોલીસ કમિશનર અને ઉચ્ચ કક્ષાએથી પણ સ્થાનિક તંત્રના ઢીલા વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું માલૂમ પડશે, તો જે-તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ સામે આવી જ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને સ્થાનિક જનતામાં ખૂબ આવકાર મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: