ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા વાવ-થરાદ પંથકમાંથી દારૂની મોટી હેરાફેરીનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. થરાદ પોલીસની ટીમ જ્યારે ભારતમાલા પ્રોજેક્ટના રોડ પર આવેલી વાંતડાઉ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલું એક શંકાસ્પદ ટ્રેલર અટકાવવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રેલરની અંદર ચિનાઈ માટીનો જથ્થો ભરેલો દેખાતો હતો, પરંતુ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે માટીના આ જથ્થાની નીચે છુપાવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


વિદેશી દારૂ સાથે રાજસ્થાનનો બુટલેગર રંગેહાથ પકડાયો

થરાદ પોલીસે ટ્રેલરમાંથી ચિનાઈ માટી હટાવીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 3,624 બોટલો મળી આવી હતી. બજાર કિંમત અનુસાર આ જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 9.03 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ટ્રેલર ચલાવી રહેલા રાજસ્થાનના બુટલેગર મંગુખાન તેલી નામના શખ્સની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. આ શાતિર બુટલેગરે પોલીસની નજરમાંથી બચવા માટે માટીની આડમાં દારૂ ઘુસાડવાનો મોટો કીમિયો અજમાવ્યો હતો, જે નિષ્ફળ રહ્યો છે.

થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

આ સફળ ઓપરેશન દરમિયાન થરાદ પોલીસે 9.03 લાખની કિંમતનો વિદેશી દારૂ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું મસમોટું ટ્રેલર મળીને કુલ રૂ. 24.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સરહદી વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડ પર છે ત્યારે આ મોટી સફળતા મળી છે. થરાદ પોલીસે પકડાયેલા આરોપી મંગુખાન વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: