સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મેયરનું અલ્ટીમેટમ સામે આવ્યું છે, 20 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા મેયરે આદેશ કર્યો છે, હાલમાં હાલ 50 ટકા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવું મેયરનું કહેવું છે અને બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ખાડી, ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી છે, ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે તેવું મેયર દક્ષેશ માવાણીનું કહેવું છે.


ઝોનમાં પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો છે

આગામી જૂન માસથી શરૂ થતી ચોમાસાની સિઝન પહેલા સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, ઝોનમાં પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે પણ પ્રિ-મોન્સુન કામગીરીની સમયાંતરે બેઠક યોજવાની સાથે જ નિર્ધારીત સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવાની તાકીદ કરી છે. બીજીબાજુએ હવે પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે ડ્રેનેજ વિભાગે તમામ ઝોન પાસેથી ડ્રેનેજ લાઈન સંબંધિત મહત્વની માહિતી મંગાવી છે.

ખોટકાયેલી ડ્રેનેજ લાઈનની માહિતી આપવાની તાકીદ કરવામાં આવી

ખોટકાયેલી અને બદલવા જોગ ડ્રેનેજ લાઈનની માહિતી ૧૫ દિવસમાં રજૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. જેમાં ડ્રેનેજ નેટવર્ક કાર્યરત ન હોવાનું કારણ દર્શાવવા જણાવાયું હોય કામગીરીની સમીક્ષા થશે અને સાથે જ બાકી કામગીરી ઝડપથી કરવા પર ભાર મૂકાશે. મહાનગરપાલિકામાં ડેપ્યુટેશન પર આવેલા ડેપ્યુટી કમિશનર નિધી સિવાચને સુરત મહાનગર માટે આવશ્યક સેવાઓ એવી હાઇડ્રોલિક, ડ્રેનેજની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કાર્યભાર સંભાળ્યા બાદ વિભાગની કામગીરીની પ્રણાલીમાં કેટલાક મહત્વના ફેરફારો કરાયા છે. જે અંતર્ગત તમામ ઝોનને બદલવા જોગ, ખોટકાયેલી ડ્રેનેજ લાઈનની માહિતી આપવાની તાકીદ કરવામાં આવી છે.

પ્રિ-મોન્સુન કામગીરી સાથે જોડીને નોંધ બહાર પડાઈ હોવાનો મત અધિકારીઓ આપી રહ્યા છે

તમામ ઝોનલ ચીફ, કાર્યપાલક ઈજનેરને લેખિત નોંધ થકી સૂચના આપી દેવામાં આવી છે. તેમાં શહેરી વિસ્તારમાં વિવિધ ટી.પી.રોડ, જાહેર રોડ અને ગામતળ રોડ ઉપર નાંખવામાં આવેલા હયાત ડ્રેનેજ નેટવર્ક પૈકી જે ડ્રેનેજ લાઈન કાર્યરત ન હોય, બદલવા જોગ તથા અન્ય કારણો સહિતની વિવિધ માહિતી ૧૫ દિવસમાં કાર્યપાલક ઈજનેરની સહીથી મધ્યસ્થ ડ્રેનેજ વિભાગને આપવાનો ઉલ્લેખ કરાયો છે. ઝોન તરફથી ટી.પી. સ્કીમ, ગામતળની વિગત, રોડની વિગત, કાર્યરત ન હોય તે નેટવર્કની લંબાઈ-પાઈપના વ્યાસની વિગત, કાર્યરત ન હોવાનું કારણ સહિતની માહિતી રજૂ કરવી પડશે. વર્ષ વેળાએ વિવિધ ફરિયાદો, કિસ્સામાં ડ્રેનેજ નેટવર્કની કામગીરી બાબતે ઝોન અને વિભાગ વચ્ચે રકઝક થતી હોય, ખો ખોની રમત રમાતી હોય મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ થકી ઝડપથી કામગીરી થાય એ પ્રયાસોના ભાગરૂપે નોંધ ઇશ્યુ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રિ-મોન્સુન કામગીરી સાથે જોડીને નોંધ બહાર પડાઈ હોવાનો મત અધિકારીઓ આપી રહ્યા છે.

  • Follow us on: