જામનગરમાં મોબાઈલનું વળગણ કેટલું ખતરનાક બનવા લાગ્યું છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 11 વર્ષની માસૂમ બાળકીએ મોબાઈલ ના મળવા જેવી નજીવી બાબતમાં અંતિમ પગલું ભર્યું. બાળકીએ મોટી બેન પાસે જોવા માટે મોબાઇલ માંગ્યો હતો પરંતુ બહેનને કોઈ કામ હોવાથી પછી લઇ જવાનું કહ્યું. બસ બહેને આટલુ જ કહેતા બાળકીને મનમાં લાગી આવ્યું અને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો. રમવાની ઉંમરમાં બાળકીએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
મુળ મઘ્યપ્રદેશના ગુમાનપુરાના વતનહી અને હાલ દરેડ જીઆઇડીસી ખાતે રહેતી મયાવતી કામતા પ્રસાદ જાટવ નામની 11 વર્ષની બાળાએ ગઇકાલે મોડી સાંજે પોતાના રહેણાંક મકાને લોખંડની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા 108ને જાણ કરવામાં આવી હતી દરમ્યાન ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. બાળકીના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ અંગે મૃતકના મોટા બહેન દરેડ જીઆઇડીસી સરદાર ઇન્ડ. એસ્ટેટ રોડ પ્લોટ 12 ખાતે રહેતા કાજલ વિનોદભાઇ જાટવ (ઉ.વ.21) એ પંચ-બીમાં જાણ કરી હતી, જેમા જણાવ્યુ હતું કે જાહેર કરનાર પાસે બાળકીએ મોબાઇલ માંગતા તેને મોબાઇલ આપ્યો ન હતો અને પછી લઇ જવા કહયુ હતું, જે બાબતનું બાળાને લાગી આવતા પોતાની મેળે આ પગલુ ભરી લીધુ હતું.
નાની વાતમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પરપ્રાંતીય બાળકીએ મોબાઇલ નહી આપવાના મામલે આત્મઘાતી પગલુ ભરી લેતા દરેડ અને જામનગર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આવી નાની વાતમાં મયાવતીને મનમાં લાગી આવતા પોતે સાંજના સમયગાળા દરમિયાન સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત નો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા દેકારો બોલી ગયો હતો અને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવા 108 નો સંપર્ક કર્યો હતો આ દરમિયાન 108 તાત્કાલિક દોડી આવી હતી જ્યાં તપાસ કરતા મયાવતીનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. સમગ્ર બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે.હાલ પોલીસે આ અંગે કાજલ વિનોદભાઈ જાટાવે પંચકોસી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઈલનું ગાંડપણ, વાલીઓ ચિંતિત
આજે મોબાઇલનું વળગણ બાળકોમાં ખુબ જ વધી રહયુ છે જે માટે વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે, ઘણા કિસ્સાઓમાં મોબાઇલ મેનીયા મોત સુધી દોરી જતા હોવાના બનાવો સામે આવી ચુકયા છે. જામનગર નજીકના દરેડમાં પણ મોબાઇલ નહી આપતા બાળકીએ જીવતર ટુંકાવી લીધું છે જે બતાવે છે કે કેટલી હદે બાળકો મોબાઇલની પાછળ ઓળઘોળ બની ગયા છે અમુક કિસ્સામાં આપણે જોઇએ છીએ કે બાળકોને કિશોર વયનાઓને મોબાઇલ ન આપીએ તો તેઓ જીદે ચડી જતા હોય છે આ પ્રકારના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં દરેડ વિસ્તારમાં જ એક પરપ્રાંતીય 14 વર્ષના બાળકે લાગી આવતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો દરમ્યાન વધુ એક બાળકીએ આપઘાત કરી લીધો છે.
બાળકોમાં વધ્યો આક્રોશ
ઉલ્લેખનીય છે કે કુમળી વયના બાળકોમાં મોબાઇલ જોવાનું વળગણ ખુબજ ચિંતાજનક રીતે વધી રહયુ છે અને જો મોબાઇલ આપવામાં ન આવે તો બાળકોમાં ભયકંર ગુસ્સો જોવા મળે છે. તો કેટલીક વખત બાળકો હઠીલી જીદે ચડી જતા હોય છે અને નુકસાન થયા તેવા તોફાન કરતા હોવાના પણ દાખલાઓ સામે આવતા રહે છે. મોબાઇલના મામલે બાળાએ આત્મઘાતી પગલુ ભરી લેતા જામનગર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. અત્રે એ પણ નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા દરેડ વિસ્તારમાં જ એક 14 વર્ષના બાળકે આપઘાત કર્યો હતો.