દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું હવે રાજકોટ જિલ્લામાં પણ આવા દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે લોધિકાના માખાવડમાં દબાણો હટાવાની કાર્યવાહી કરાઇ હતી અને 21 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત 100 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.


રાજકોટ નજીક આવેલ માખાવડ ગામમાં ભૂ માફિયાઓ દ્વારા સરકાર દ્વારા જીઆઇડીસીને ફાળવેલી જમીન પર ખેતી વિષય તેમજ પ્લોટ વિષયક દબાણો કરી દેવામાં આવ્યા હતા. તંત્રને ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા તંત્રની ટીમ થોડા દિવસ પહેલા દબાણ દૂર કરવા માટે ગઈ હતી. પરંતુ તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમના કારણે મામલતદાર સહિતની ટીમો દ્વારા દબાણ દૂર કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. બાદમાં કલેકટર પ્રભાવ જોશી અને ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવર્તીની સૂચનાથી આજે વહેલી સવારે તંત્રનો બુલડોઝર ફરી વળ્યું હતું.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવતીએ જણાવ્યા હતું કે રાજકોટ નજીક આવેલ લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે આવેલ સર્વે નંબર 305 પૈકી જમીન સરકાર દ્વારા જીઆઇડીસી બનાવવા માટે આપવામાં આવી હતી જેમાં ભૂ માફિયાઓ દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો હતો કેટલાય લોકો દ્વારા ખેતી વિષયક તો કેટલાય દ્વારા પ્લોટીંગ પણ બનાવી નાખવામાં આવ્યા હતા.

જે દબાણ આજે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ્ય પ્રાંત અધિકારી તેમજ લોધિકા મામલેદાર, પોલીસન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 21 એકર જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી. આ જમીનની અંદાજિત બજાર કિંમત 100 કરોડથી પણ વધુ થવા જાય છે. સમગ્ર દબાણ દૂર કર્યા બાદ જીઆઇડીસી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

  • Follow us on: