ભરૂચ શહેરમાં વેરો નહીં ભરનારા સામે પાલિકાએ આકરા તેવર બતાવ્યા છે. મિલ્કત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરવામાં આવતા પાલિકાએ કડક વલણ અપનાવી નળ કનેક્શન કાપવા સહિત મિલ્કતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ નગરપાલિકા હસ્તક આવતી મિલ્કતોના માલિકો દ્વારા સમયસર વેરો નહીં ભરતા પાલિકા એક્શનમાં આવી છે.
વેરા વસૂલવા એકશનમાં પાલિકા
પાલિકાએ 11 ટીમો બનાવી બિલોની બજવણી કરવા સાથે ઘરે ઘરે જઈ વેરા વસૂલવામાં આવી રહ્યા છે.તેમ છતાં કેટલાક મિલ્કત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરતા અને વેરો ભરવામાં નિષ્કાળજી દાખવતા 3000 જેટલા લોકોને નોટિસની બજવણી કરવામાં આવી હતી. તો 100 જેટલા મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી માટે વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.તેમ છતાં કેટલાક મિલ્કત ધારકો દ્વારા વેરો નહીં ભરવામાં આવતા પાલિકા એક્શનમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ બાબતે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાછલી અને ચાલુ સાલની લગભગ 24 કરોડ જેટલી રકમની માંગણી નીકળે છે. જેમાં ચાલુ વર્ષની 83 ટકા જેટલી રકમની ભરપાઈ થઈ ચૂકી છે પરંતુ પાછલા વર્ષની લગભગ 29 ટકા જ વસૂલાત થઈ છે. જેથી 31 માર્ચ પહેલા આ તમામ વસૂલાત થઈ જાય તે માટે પાલિકાએ વોર્ડ પ્રમાણે 11 ટીમો બનાવી નોટિસ અમે જપ્તી વોરંટ બાકી પડતા મિલ્કત ધારકોને આપવામાં આવ્યા છે. જેમાં 15.78 કરોડની વસૂલાત થવા પામી છે.
કાપ્યા નળ કનેકશન અને મિલકતો કરી સીલ
હજુ પણ કેટલાક મિલ્કત ધારકો વેરો ભરવામાં નિષ્કાળજી દાખવે છે તેવા મિલ્કત ધારકો સામે પાલિકા દ્વારા છેલ્લા 3 દિવસમાં 10 જેટલા પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો 5 જેટલી મિલ્કતોને સીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ પહેલા બાકી મિલ્કત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાલિકા આકરું વલણ અપનાવી આ તમામ મિલ્કતોને સીલ કરી હરાજી પણ કરી શકે છે.