નર્મદા જિલ્લામાં RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેને લઈ પોલીસ દ્વારા SITની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
કૌભાંડનો મુખ્ય આરોપી ફરાર
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટીની રચના કરવામાં આવી છે. નર્મદા એ.એસ.પી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે, જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાઠ સભ્ય તરીકે નિમાયા છે. હાલ તો આ કેસમાં કોઈ આરોપી પકડાયો ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એસ.આઈ.ટીની રચના બાદ પોલીસની ટીમ આ કૌભાંડના ફરાર મુખ્ય આરોપી દર્પણ પટેલને ઝડપી પાડવા માટે આકાશ પાતળ એક કરી રહી છે.
100થી વધુ લોકોએ દાખલા કઢાવ્યા છે
આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો છે, આ બાબતે સાંસદે જણાવ્યું હતું કે આ મુદ્દે પોલીસે ફરિયાદ તો નોંધી પણ તપાસ કોઈ રાજકીય દબાણ હેઠળ ગોકળ ગતિએ ચાલુ રહી છે. ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કેમ કોઈ આરોપી હજુ પકડાયો નથી. ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે. જોકે હવે સાંસદે મીડિયા સામે પોલીસ પર આક્ષેપ કરતા પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે અને આજે સુંદરપુરાના જે લોકોએ દાખલા કઢાવ્યા છે, 100થી વધુ લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશન બોલાવી ખરાઈ કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લામાં આ મુદ્દો ભારે ચર્ચામાં
SITના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું હતું કે આ ખોટા દાખલામાં કોઈ પણ સંડોવાયેલું હશે એમને છોડવામાં આવશે નહીં, જે લોકોએ દાખલા કઢાવ્યા છે અને જેમને આપ્યા છે, એ ખોટા સાબિત થશે તો બંનેને આરોપી ગણવામાં આવશે અને એમને જેલ હવાલે કરવામાં આવશે. બીજી તરફ આરોપીઓ પકડાયા નથી, પરંતુ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રથમ રાઉન્ડમાં 29 જેટલી અરજી આવી હતી તે તમામ રદ કરવામાં આવી છે. અત્યારે નર્મદા જિલ્લામાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે કારણ કે તલાટી, સરપંચના ખોટા સહી સિક્કા કરીને માત્ર RTEનો જ લાભ નહીં, પરંતુ સાથે સાથે વિધવા સહાયથી લઈને અનેક સરકારી સહાય યોજનાના ખોટા સર્ટી બન્યા હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે પોલીસ અત્યારે 700થી વધુ ડોક્યુમેન્ટ ચકાસી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હજુ એક પણ આરોપી પકડાયો નથી, જેને લઈને સાંસદ આરોપ કરી રહ્યા છે.