રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને લઇને સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ આગામી તા. ૨૬ જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. તા.૨૮ જૂન સુધી સળંગ ત્રણ દિવસ સુધી ચાલનારા આ શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા, ધો.૧, ધો. ૯ અને ધો. ૧૧ના બાળકોને રાજ્યનાં અધિકારીઓ, જિલ્લાના પદાધીકારીઓ, વર્ગ-૧ અને વર્ગ -૨ના અધિકારીઓ દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી, મીઠું મોઢું કરાવી, વાજતે-ગાજતે શાળામાં પ્રવેશ કરાવશે.
કુલ ૨૦૦૩ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે
આ અંગે વધુ માહિતી આપતાં જીલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, આગામી તા. ૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમ્યાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તાજેતરમાં જ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષસ્થામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળા પ્રવેશોત્સવને લઇને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ વખતે યોજનારા શાળા પ્રવેશોત્સવમાં જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ અને રક્ષા શક્તિ રેસિડેન્સિયલ મળીને કુલ ૨૦૦૩ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. આ વર્ષે જીલ્લામાં કુલ ૧,૩૨,૮૬૦ બાળકોને કંકુ તિલક, શૈક્ષણિક કિટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવશે. જેમાં આંગણવાડીનાં ૫,૬૭૫ બાળકો, બાલવાટિકાનાં ૩૦,૨૮૨, ધો.૧ના ૩૯,૦૬૪, ધો. ૯ના ૩૮,૦૭૫ અને ધો. ૧૧નાં ૧૯,૭૬૪ બાળકોનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસ ચાલનારા શાળા પ્રવેશોત્સવ માટે કુલ ૧૧૫ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે આઇએએસ અધિકારી, કચ્છના સાંસદ, તમામ ધારાસભ્યો, જીલ્લા પંચાયતનાં પ્રમુખ તથા સદસ્યો, વહીવટી તંત્રનાં અધિકારીઓ જોડાશે. આ વખતના પ્રવેશોત્સવમાં ધો. ૮ બાદ ડ્રોપ આઉટ હોય તેવા વિદ્યાર્થીઓને ધો. ૯માં દાખલ કરવા સંદર્ભે પ્રાથમિક્તા આપવામાં આવશે.
૧ હજાર જેટલી કન્યાઓને પુનઃ શાળા પ્રવેશ કરાવવાનો ટાર્ગેટ
રાજ્ય કક્ષાએથી શાળા પ્રવેશોત્સવમાં જોડાનારા અધિકારીઓ કચ્છમાં મુખ્યત્વે ડ્રોપ આઉટ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે. કારણ કે, જીલ્લામાં કુલ ડ્રોપ આઉટની સંખ્યા ૧૦ હજાર જેટલી છે, ત્યારે આ રાજ્ય કક્ષાનાં અધિકારી દ્વારા દરરોજ જીલ્લાની બે માધ્યમિક અને એક પ્રાથમિક શાળામાં હાજરી આપશે. આ માટે કુલ ૧૨ જેટલા રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ પ્રવેશોત્સવ દરમ્યાન ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી કમસે કમ ૧ હજાર જેટલી કન્યાઓને પુનઃ શાળા પ્રવેશ કરાવવાનો ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો છે.
સમાપને દરેક શાળામાં ૫૦ રોપાંનું વાવેતર કરાશે
આ વખતનો શાળાપ્રવેશોત્સવ વિવિધ શાળાઓમાં અલગ-અલગ સમયે યોજવામાં આવશે. જેમાં સવારે ૮ થી ૯ઃ૩૦ વાગ્યા સુધી, ૧૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી અને ૧૨ થી ૧.૩૦ વાગ્યા સુધી એમ દોઢ કલાક ચાલશે. આ દરમ્યાન શાળા પ્રવેશોત્સવમાં હાજર રહેલા અધિકારીઓ દ્વારા શાળામાં જ્ઞાન કુંજ, લેબ નિરિક્ષણ કરશે. સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, એમએનએનએમમાં મેરીટમાં આવેલા છાત્રોને સન્માનિત કરવાની સાથે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાના અમલીકરણ સંદર્ભે વિગતો મેળવશે. વાર્ષિક પરીક્ષાનાં તેજસ્વી તારલાઓ, ૧૦૦ ટકા હાજરી ધરવાનાર બાળકનું પણ સન્માન કરાશે. બાળકોના પણ વક્તવ્યો યોજાશે. બાદમાં એસએમસી, એએમડીસી સાથે બેઠક યોજશે. સમાપને દરેક શાળામાં ૫૦ રોપાંનું વાવેતર કરાશે.
કચ્છમાં ૩૦ હજાર દિકરીઓએ નમો લક્ષ્મી યોજનાનો લાભ લીધો
સરકાર દ્વારા હાલે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. જેમાં મુખ્યત્વે દિકરીઓ ધો. ૯માં દાખલ થવાની સાથે ધો.૧૨ સુધી અભ્યાસ કરે તો તેમને રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કચ્છમાં કુલ ૩૦ હજાર જેટલી દિકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જ્યારે નમો સરસ્વતી યોજનામાં ખાસ કરીને સાયન્સમાં ધો.૧૧ અને ૧૨ માટે કુમાર અને કન્યા બંન્નેને રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. કન્યાઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી મળી બંન્ને યોજના અંતર્ગત રૂ. ૭૫ હજારની સહાય આપવામાં આવે છે.
શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી કચ્છ આવે તેવી શક્યતાઓ
આ વખતનો શાળા પ્રવેશોત્સવ બોર્ડર વિલેજની થીમ ઉપર યોજાઇ રહ્યો હોવાથી કચ્છમાં સળંગ ત્રણ દિવસ સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન એક દિવસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છનાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવે તેવી પણ શક્યતાઓ છે. આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના પ્રચાર-પ્રસાર ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ માટે વિવિધ જગ્યાએ બેનરો લગાડવાની સાથે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સરકારની વિદ્યાર્થીઓ લક્ષી વિવિધ યોજનાઓ સંદર્ભે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવશે.













