કચ્છમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામની એ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. સહારાનગરમાં રહેતા હરપાલસિંહ જેઠવાના રહેણાંક વિસ્તારમાં દરોડો કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 1.92 લાખના 19 કિલો 274 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોની ધરપકડ કરી લીધી છે. પોલીસે હરપાલ સિંહ જેઠવા, જોગેન્દ્રસિંહ વાઘેલા અને મનોજ શર્મા નામના ઈસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઈલ, એક્ટિવા સહિતનો 3,75,440 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં નશીલા પદાર્થનું વેચાણ કરતો કોન્ટ્રાક્ટર ઝડપાયો
ગઈકાલે 9 જૂને વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશા ના રવાડે ચઢાવીને જીંદગી બરબાદ કરવા નશીલા પદાર્થનું વેચાણ કરતો લેબર કોન્ટ્રાકટરની ડુંગરા પોલીસે છીરીમાં એક ફલેટમાંથી 14 કિલોથી વધુના ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી લેબર કોન્ટ્રાકટર નશીલા પદાર્થની પડીકી બનાવીને તેના માણસોને આપતો હતો અને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ સાથે ફોન મળી કુલ 1,57,270નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
ગાંધીનગરના ચંદ્રાલાથી દંપતી પાસેથી ગાંજો ઝડપાયો
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગાંધીનગરના ચંદ્રાલાથી દંપતી પાસેથી ગાંજો ઝડપાયો હતો. SOGએ નાકા પોઈન્ટથી લકઝરી બસમાંથી રૂપિયા 2.37 કરોડના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી ગાંજો લેવા મુંબઈથી દિલ્હી ફ્લાઈટમાં ગયું હતું અને ત્યારબાદ જથ્થો બેંગ્લોર લઈ જવા ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા હતા.