ભુજ સહિત કચ્છની બજારમાં કેસર કેરીનું આગમન થતાની સાથે જ સ્વાદનાં શોખિનોને જલસો પડી ગયો છે. હાલ સમગ્ર જીલ્લાના વિવિધ શાક માર્કેટ, એપીએમસી, ફુટપાથ , જાહેર રોડ અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વાડીઓની પાસે ખુદ ખેડૂતોએ સ્ટોલ ઉભા કરીને કેસર કેરીનું વેચાણ શરૂ કરી દેતાં સમગ્ર જીલ્લામાં કચ્છની કેસર કેરીનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. કેસર કેરીના સ્વાદના શોખિનોને હાલે માર્કેટમાં રૂ.450થી લઇને રૂ.700 સુધીનાં ભાવમાં પાંચ કીલો કેરીનું બોક્ષ મળી રહ્યું છે.જાહેર રસ્તાઓ ઉપર કેરીના બોક્ષના ગજ ખડકાયેલા નજરે પડી રહ્યા છે.


કેરીનાં ભાવો હજુ પણ અકબંધ જોવા મળી રહ્યા છે

કચ્છમાં કેસર કેરીનાં ભાવો હજુ પણ અકબંધ જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી કચ્છની કેસર કેરી માર્કેટમાં આવી ન હતી ત્યાં સુધી કચ્છ બહારની કેરીનું થોકબંધ વેચાણ થતું હતું.જે ગ્રાહકોને રૂ.250થી લઇને રૂ.350 સુધીમાં પાંચ કીલોનું બોક્ષ મળતું હતું. છુટકમાં પણ રૂ.30થી લઇને રૂ.60 સુધીના અને હાફુસ કેરીનાં રૂ.90થી રૂ. 150 સુધીનાં ભાવો બોલાતા હતાં. પરંતુ જૂન માસનાં પ્રારંભની સાથે જ કચ્છની કેસર કેરીનું માર્કેટમાં આગમન થતાં જ લોકોએ જીલ્લા બહારની કેરી ખરીદવાનું બંધ કરીને કચ્છની કેસર કેરી ખરીદવાનુ પસંદ કરતાં માર્કેટમાં હવે જીલ્લા બહારની કેરીઓ શોધી પણ જડતી નથી.

મે માસમાં કચ્છવાસીઓએ બહારની કેરીનો સ્વાદ માણ્યો

કચ્છની કેસર કેરી દર વર્ષે જૂનના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં આગમન થતું હોય છે.પરંતુ કેરીનાં સ્વાદનાં શોખિનોને ધ્યાને લઇને વેપારીઓ દ્વારા જીલ્લા બહારથી કેરીઓ ખરીદીને કચ્છની માર્કેટમાં ઠાલવતા હતા.પરિણામે લોકો પણ બજારમાં ઉપલબ્ધ હોય તે કેસર કેરી,હાફુસ કેરી,બદામ કરીનો સ્વાદ માણતા હતા, પરંતુ જેવી કચ્છની કેસર કેરી માર્કેટમાં આવી કે તુરંત લોકો કચ્છની કેરી ખરીદ કરવા તરફ ઝુકાવ વધી જતાં જીલ્લા બહારની કેરીનું વેચાણ કરવાની વેપારી તો ઠીક ફેરિયાઓને પણ મુશ્કેલી પડતી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ વાડી પાસે સ્ટોલ ઉભા કર્યા

કચ્છના વિવિધ વિસ્તારોમાં ઉગતી કેસર કેરીનો સ્વાદ તો અલગ અલગ હોય છે.પરંતુ તે વિસ્તારનાં નામ ઉપર પણ કેસર કેરીનું ઓછા વત્તા અંશે વેચાણ થાય છે.જેમાં ગઢશીશા,મઉં કે રેલડી વિસ્તારની કેસર કેરીની હંમેશા ડિમાન્ડ વધુ જોવા મળતી હોય છે.પરિણામે વિવિધ વિસ્તારનાં ખેડૂતો દ્વારા પણ પોતે સીધુ ગ્રાહકોને કેરીનું વેચાણ કરી શકે તે માટે પોતાની વાડીઓની બહાર જ હંગામી સ્ટોલ ઉભા કરી દીધા છે અને ત્યાં પોતાનાં ફાર્મના નામ ઉપર જ કેરીનું વેચાણ કરી રહ્યા છે.લોકો પણ સીધી વાડીમાંથી કેરી ખરીદવા માટે વધુ આકર્ષાય છે.

વરસાદ નહીં પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

સામાન્ય રીતે જૂન માસમાં કેસર કેરીનાં આગમનની સાથે વરસાદનું પણ આગમન થઇ જતું હોય છે. જેના કારણે ખેડૂતોને હંમેશા કેરીનાં વેચાણને લઇને ચિંતા રહેતી હોય છે પરંતુ આ વખતે હજુ સુધી વરસાદના કોઇ એંધાણ નહીં હોવાને કારણે ખેડૂતોને આ વખતે કેસર કેરીનાં વેચાણ માટે વધુ સમય મળશે તેવી આશા છે. તેના કારણે જ તેઓ જોઇતા પ્રમાણમાં જ કેરીઓ તોડીને માર્કેટમાં ઠલવી રહ્યા છે.જેના કારણે માલ પણ બગડે નહીં અને લોકોને પણ ડાઘ વગરની, સ્વાદિષ્ટ કેરીઓ આરોગવા મળતી રહે.

ફેરિયાઓએ હાઇવે ઉપર કચ્છની કેરીનાં બોક્ષનું વેચાણ શરૂ કર્યું

હાલે શહેરનાં વિવિધ હાઇવે ઉપર ફેરિયાઓ દ્વારા કચ્છની કેસર કેરીનું વેચાણ શરૂ કરી દેવાયું છે. તેમાંય ભુજમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે, આરટીઓ સર્કલ પાસે, સ્મૃતિવન પાસે, નળ વાળા સર્કલ સહિતના વિવિધ સ્થળોએ ફેરિયાઓ દ્વારા કેસર કેરીનું વેચાણ શરૂ કરી દેવાયું છે. આ માટે હાઇવેની સાઇડમાં પાંચ કિલોનાં બોક્ષનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પ્રવાસીઓ સહિતનાં લોકો કચ્છમાંથી બહાર જતી વખતે પોતાની સાથે કેસર કેરીને સરળતાથી લઇ જઇ શકે.


  • Follow us on: