બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.૩૧મી માર્ચ ૨૦૨૬ સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ છે. નોંધનીય છે કે, તા.૨૭ મે, ૨૦૨૫થી ઘઉંની સંગ્રહખોરી કાબુમાં રહે તે હેતુથી ઘઉંના વેપાર પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.


કેપેસીટી મુજબ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી

ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન રીટેઈલર્સ અને પ્રોસેસર્સ પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે. જેમાં ટ્રેડર, હોલસેલર માટે ૨૦૦૦ મેટ્રીક ટન, રીટેલર અને બીગ ચેઈન રીટેલર માટે ૮-૮ મેટ્રીક ટન તેમજ પ્રોસેસર માટે ૬૦ ટકા કેપેસીટી મુજબ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઓનલાઈન હાજર રહેલ જથ્થાની નોંધણી

જે અંતર્ગત પેઢીઓ દ્વારા દર શુક્રવારે ઓનલાઈન હાજર રહેલ જથ્થાની નોંધણી કરવાની રહે છે. જેની ચકાસણી જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા સમયાંતરે કરવામાં આવી રહી છે. જેથી ઘઉંની દાખલ થયેલ સ્ટોક મર્યાદા કરતા વધું જથ્થાની સંગ્રહખોરી રોકી શકાય. આમ, રાજયમાં ઘઉંનો સ્ટોક પુરતા પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ રહે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ ઘઉં પર લાદવામાં આવેલી સ્ટોક મર્યાદાનું નિયમન રાજ્ય સરકાર હસ્તકના પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવે છે.  


આ પણ વાંચોઃ Junagadh News: અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે સાયબર ફ્રોડની ફરિયાદ, એક વર્ષમાં 3 એકાઉન્ટથી 40.76 લાખ સગેવગે કર્યા


  • Follow us on: