ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મત્સ્યદ્યોગ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટેના અમૃત આહાર બજારની મુલાકાત લીધી હતી.


આહાર બજારનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે

આ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ઉજળું છે અને આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. સાથે જ પ્રાકૃતિક કૃષિને સર્વ હિતકારી ગણાવી હતી. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સીધા ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે અમૃત આહાર બજારનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે છે

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તા.૨૧-૧૧-૨૦૨૫ના રોજ "અમૃત ખેડૂત બજાર"નું આયોજન કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાનારા આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ–બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ-દાળ, તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો આ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

બજાર સવારે ૦૯ થી બપોરે ૧૨ કલાક સુધી ખુલ્લું રહેશે

આ બજાર સવારે ૦૯ થી બપોરે ૧૨ કલાક સુધી ખુલ્લું રહેશે. જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યવર્ધક ખેતી ઉત્પાદનોનું વેચાણ થશે. સાથે જ અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ બજારની મુલાકાત લેવા અને પ્રાકૃતિક ખેતીના સ્વસ્થ તથા ગુણવત્તાવાળા ઉત્પાદનો ખરીદવા અનુરોધ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને ખેડૂતોએ સીધી વેચાણની સુવિધા પ્રાપ્ત કરે તે બજારની મુલાકાત લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


  • Follow us on: