બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.ખેડૂતોએ ઉનાળામાં બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું. જે વાવેતર લેવાના સમયે જ વરસાદ પડતા મોટુ નુકસાન થવા પામ્યું છે.જોકે મગફળી અને બાજરી સાથે ઘાસ પણ બગડી જતા પશુઓને નિભાવવા પણ મુશ્કેલ બન્યા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.


મગફળીનો તૈયાર થયેલો પાક નુકસાનીમાં ગયો

બનાસકાંઠા વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિથી દર વર્ષે વિવિધ પાકોમાં નુકસાન ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતું. જે બાદ આ નુકસાનીની ભરપાઈ થાય તે માટે ખેડૂતોએ નવી આશા સાથે પોતાના ખેતરોમાં મોંઘા ભાવના બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત પણ જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી હોય તેમ એક બાદ એક ખેડૂતોને નુકસાની આપી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી ડીસા સહીત બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીનો તૈયાર થયેલો પાક નુકસાનીમાં ગયો છે.

ખેતરોમાં નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે

ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને એક આશા હતી કે મગફળીના પાકમાંથી સારું ઉત્પાદન મળશે અને ખેડૂતો પોતાના પરિવારનો ગુજરાન ચલાવશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો મગફળીનો પાક બગડી ગયો છે. સતત વરસાદના કારણે મગફળીનો પાક પલળી જવાના કારણે અત્યારે ઘાસ અને મગફળી બંને નુકસાન સામે આવી રહ્યું છે. મગફળી કાઢવાના સમયે જ વરસાદ થતાં અત્યારે મોટાભાગના ખેતરોમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે પણ ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે.


  • Follow us on: