ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-2025માં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું.આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ.947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો
આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ.12000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. 22000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ.27500પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.
22 હજાર પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાશે
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે,અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને વાચા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ.22000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે
વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ.20000પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા.11 નવેમ્બરથી આગામી ૧૫ દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.