વરસાદની ઋતુ આવતા જ ખેતરોની વાડ અને જંગલોમાં આપમેળે ઉગી નીકળતું એક જંગલી શાકભાજી બજારમાં દેખાવા લાગે છે - કંટોલા, એક વેલાવાળી શાકભાજી છે અને તેના ઔષધીય ગુણોને કારણે તેને "શાકભાજીનો રાજા" પણ કહેવામાં આવે છે.
ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તે પ્રિય શાકભાજી છે
કંટોલાનું મૂળ ભારતનો પર્વતીય વિસ્તાર માનવામાં આવે છે અને તેનું વાવેતર ગુજરાત, રાજસ્થાન, બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને આસામ જેવા રાજ્યોમાં વધારે જોવા મળે છે, જેને અંગ્રેજીમાં Spiny Gourd તરીકે ઓળખાય છે, આ કંટોલાનું બાયોલોજીકલ ફેમિલી Cucurbitaceae છે. તે કુદરતી રીતે ઉગી નીકળતું હોવાથી પ્યોર ઓર્ગેનિક હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તે પ્રિય શાકભાજી છે. તેને અથાણાં અને ચિપ્સ પણ બનાવી શકાય છે.
આયુર્વેદમાં કંટોલાને ખૂબ જ શક્તિશાળી ઔષધ માનવામાં આવે છે
તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયર્ન હોય છે, જ્યારે કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, તેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે તે ઉત્તમ છે. વિવિધ રોગો જેવા કે શ્વાસની તકલીફ, ખાંસી, તાવ, ડાયાબિટીસ, મસા, બ્લડ પ્રેશર અને પેશાબની તકલીફમાં પણ કંટોલાનું સેવન કરવાથી ફાયદો થાય છે.
વિજયભાઈએ કંટોલાની ખેતી અપનાવી અને તેમાં અદ્ભુત સફળતા મેળવી છે
સોરઠ પંથકમાં સૌપ્રથમ સફળતાપૂર્વક કંટોલાની ખેતી 1982માં અજાબ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કરી હતી, ત્યારબાદ પરંપરાગત રીતે, મજૂર પરિવારો આ જંગલી શાકભાજીને વન-વગડામાંથી વીણી લાવીને બજારમાં વેચે છે. પરંતુ હવે તેની પદ્ધતિસરની ખેતી પણ શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા અને માંગરોળ તાલુકામાં કંટોલાની ખેતી થાય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઝાખવા ગામના ખેડૂત વિજયભાઈ ડાકીએ પૂરું પાડ્યું છે. બાજરી, ઘઉં અને મગફળી જેવા પાકોમાં થતા ઓછા નફાથી કંટાળીને, વિજયભાઈએ કંટોલાની ખેતી અપનાવી અને તેમાં અદ્ભુત સફળતા મેળવી છે.
આજે તેઓ અને તેમનું જૂથ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે
કંટોલાની ખેતી બીજ અથવા તેની ગાંઠમાંથી કરી શકાય છે. તેની ખેતીમાં નર અને માદા એમ બે વેલા ઉછેરવા પડે છે જેથી કુદરતી રીતે ફલીકરણ થઈ શકે. શરૂઆતમાં ખેડૂતોને આ પાક વિશે મર્યાદિત જાણકારી હોવાથી તેને પૂરતી લોકપ્રિયતા મળી ન હતી. પરંતુ હવે તેના ફાયદા અને નફાકારકતા વિશે જાગૃતિ વધી રહી છે. સોરઠ પંથકના ખેડૂતો કંટોલાને સુરત અને અમદાવાદના મોટા બજારોમાં પહોંચાડે છે, જ્યાં તેમને પ્રતિ કિલો ₹80 થી ₹100 જેટલો ભાવ મળે છે વિજયભાઈએ 16 વર્ષ પહેલાં પોતાના પાંચથી સાત મિત્રો સાથે કંટોલાની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હતો.
ખેતરની વાડોમાંથી આ કંટોલાનું બિયારણ એકત્ર કર્યું
તેમણે જંગલો અને ખેતરની વાડોમાંથી આ કંટોલાનું બિયારણ એકત્ર કર્યું અને પ્રયોગ તરીકે નાનકડા વિસ્તારમાં વાવેતર કર્યું. આ પ્રયોગ સફળ થતાં, આજે તેઓ ચારથી પાંચ વીઘા જમીનમાં કંટોલાનું વાવેતર કરે છે. માંગરોળ તાલુકાના 10 થી 12 ગામના 15 થી 17 ખેડૂતોનું એક જૂથ વર્ષે લાખોની કમાણી કરી રહ્યું છે અને ટ્રક ભરીને અમદાવાદ વડોદરા સુરત મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરમાં પણ વેચાણ કરી રહ્યા છે.













