જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પ્રેમલગ્નના મામલે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવાનને ઘરમાં લઈ જઈને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના કેશોદ તાલુકાના રંગપુર ગામમાં બની હતી. જ્યાં પ્રેમલગ્નથી નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ યુવાનને બોલાવીને ઘરમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો.


યુવતીના પરિવારજનો દ્વારા યુવાન પર કરાયો હુમલો

આ ઘટના દરમિયાન જ્યારે એક સગીર યુવક પોતાના મોબાઈલમાં આ હુમલાનો વિડીયો ઉતારી રહ્યો હતો. ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાયો હતો.

મોબાઇલમાં વીડિયો ઉતારતા સગીરને પણ માર માર્યો

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. પોલીસે હુમલો કરનાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં અસહિષ્ણુતા અને કાયદાનું ઉલ્લંઘન દર્શાવે છે.


  • Follow us on: