રાજ્યમાં હવે જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા એક આરોપીએ જેલમાંથી જ ફોન કરીને જૂનાગઢના એક વેપારી પાસે 10 લાખની ખંડણી માગી હતી, આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત જેલમાં બંધ હત્યાના આરોપી અમીન સંઘે 21 જુલાઈના રોજ ફરિયાદી ધવલ પાઠકને ફોન કર્યો હતો.


4-5 અજાણ્યા ઈસમો ધવલ પાઠકના ઘરે પહોંચ્યા

ફોન પર અમીન સંઘે અઢી વર્ષ પહેલા અવસાન પામેલા રામ રાઠોડ સાથેના નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ કરીને પાઠક પાસેથી 10 લાખની ખંડણી માગી હતી. પાઠકે સ્પષ્ટતા કરી કે રાઠોડ સાથેનો તેમનો વ્યવહાર પૂરો થઈ ગયો છે, તેમ છતાં અમીન સંઘે વારંવાર ફોન કરીને રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું. જ્યારે ફોન પરની ધમકીથી કામ ન થયું, ત્યારે અમીન સંઘે પોતાના સાગરીતોને પાઠકના ઘરે મોકલ્યા હતા. 26 જુલાઈની સાંજે લગભગ 8 વાગ્યે એજાઝ ઉર્ફે અજુ બલોચ અને ઓમાન જાફાઈ સહિત 4-5 અજાણ્યા ઈસમો પાઠકના ઘરે પહોંચ્યા. આરોપીઓએ ઘરમાં પ્રવેશીને પાઠકને ધમકી આપી કે જો 10 લાખ નહીં આપે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. એક આરોપીએ તો હથિયાર બતાવીને ધમકી આપતાં કહ્યું કે તેમના પર ઘણા કેસ છે, તેથી તેઓ પાઠકને ગમે ત્યારે ઉપાડી જશે. ​આ ઘટના બાદ ધવલ પાઠકે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમીન સંઘ જેલમાં હોવા છતાં તેને ફોન કેવી રીતે મળ્યો?

આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એજાઝ બલોચ અને ઓમાન જાફાઈને ઝડપી પાડ્યા હતા. એજાઝ બલોચ રાજકોટમાં GUJCTOC હેઠળના કેસમાં જામીન પર છે. પોલીસે બંને આરોપીઓને વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું અને જરૂરી પુરાવા એકત્ર કર્યા. હાલ પોલીસ ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય સાગરીતોની ઓળખ થઈ શકે અને જેલમાંથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચી શકાય. આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમીન સંઘ જેલમાં હોવા છતાં તેને ફોન કેવી રીતે મળ્યો? આ દિશામાં પણ પોલીસે અલગથી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ માત્ર ખંડણીના ગુનાને જ નહીં, પરંતુ જેલ પ્રશાસનની બેદરકારીને પણ ઉજાગર કરી છે, જેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.


  • Follow us on: