શું દાઢી રાખવી તે ગુનો છે.? દાઢી રાખવી તે કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકો માટે જ સિમિત છે? જો નહીં તો યુવાને દાઢી રાખતા ચાર શખ્સો દ્વારા ઢોર મારવાની ફરિયાદ નોંધવામાં આવી છે
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે
જૂનાગઢ નજીકના ખંભાળીયા (ઓઝત) ગામે એક દલિત યુવકને "અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે?" તેમ કહીને માર મારવામાં આવ્યો હતો. યુવાનને બચાવવા ગયેલા તેના સસરાને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે, ફરીયાદી સાગર મકવાણા વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે રહેતો અને મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેણે ખંભાળીયા (ઓઝત) ગામે રહેતા જીવણભાઈ વાળાની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા છે.
Also Read
જ્ઞાતિને લઈ વિવાદ થયો હતો
11 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે સાગર મકવાણા પોતાનું બગડી ગયેલું મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાળીયા (ઓઝત) ગયો હતો. ગેરેજ બંધ હોવાથી તે પરત પોતાના ગામ માંગનાથપીપળી જવા નીકળ્યો હતો, વાજળી ગામના રસ્તે રેલવે પુલ પાસે પહોંચતા, નવી ચાવંડ ગામનો શૈલેષ જેબલીયા નામનો શખ્સ મોટરસાયકલ પર આવ્યો અને સાગરને રોકાવ્યો. શૈલેષે સાગરનું મોટરસાયકલ નીચે પાડીને તેને ગાળો ભાંડી અને કહ્યું, "તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? તે અમે જ રાખીએ." તેણે સાગરને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો.
જીવણભાઈને ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા
સાગરે તરત જ આ ઘટનાની જાણ તેના સસરા જીવણભાઈને કરી હતી, જીવણભાઈ સ્થળ પર પહોંચીને શૈલેષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની I-20 ગાડી ત્યાં આવી પહોંચી. તેમાંથી લાલો ભૂપત કાઠી દરબાર અને અન્ય ત્રણ અજાણ્યા માણસો ઉતર્યા. તેમણે સાગર અને જીવણભાઈને ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા. ત્યારબાદ લાલો કાઠી દરબાર અને તેના સાગરીતોએ ગાડીના પાના વડે સાગરને સાથળ, પીઠ અને વાસાના ભાગે માર મારવાનું શરૂ કર્યું. જ્યારે બે લોકોએ સાગરને પકડી રાખ્યો, ત્યારે બાકીનાએ તેના સસરા જીવણભાઈને મોઢા, માથા અને કાનના ભાગે મુક્કા અને થપ્પડો મારીને નીચે પાડી દીધા.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં જ્ઞાતિગત ભેદભાવ અને હિંસાની સમસ્યાને ઉજાગર કરી છે
આ સમયે સાગરનો સાળો હાર્દિક અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થતાં, આરોપીઓએ તેમને પણ ધમકી આપી હતી. જોકે, લોકોની સંખ્યા વધતાં આરોપીઓ ગાડીમાં બેસીને ખંભાળીયા ગામ તરફ ભાગી ગયા, ઘટના બાદ, ઈજાગ્રસ્ત સાગર અને તેના સસરા જીવણભાઈને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સાગરની ફરિયાદના આધારે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા માણસો સહિત પાંચ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં જ્ઞાતિગત ભેદભાવ અને હિંસાની સમસ્યાને ઉજાગર કરી છે.













