કચ્છમાં હાલે ખેડૂતો દ્વારા રવી સીઝનને લઇને વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૧ હજાર હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર પણ ખેડૂતો દ્વારા કરી નાખવામાં આવ્યું છે, ત્યારે સ્વાભાવિકપણે જ વાવેતર માટે અત્યંત જરૂરી એવા બિયારણો ખરીદવા માટે ખેડૂતો વિવિધ એગ્રો સેન્ટરમાં લાઇનો લગાવતા હોય છે. ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ મળી રહે તે માટે નાયબલ ખેતી નિયામક ( વિસ્તરણ ) વિભાગ દ્વારા અવારનવાર તપાસનો દોર હાથ ધરવાની સાથે વિવિધ બિયારણો સહિતનાં સેમ્પલો લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવતા હોય છે.
૮૪૬ સેમ્પલો કલેક્ટ કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૮૪૬ સેમ્પલો કલેક્ટ કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૧૪ સેમ્પલો ફેલ આવતાં સંબંધિતો સામે કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ બાબતે વધુ માહિતી આપતાં એગ્રિકલ્ચર ડેપ્યુટી ડાયરેક્ટર પ્રકાશકુમાર કે. પટેલે જણાવ્યું હતું કે, હાલે જિલ્લામાં રવી સીઝનની શરૂઆત થઇ ગઇ છે. ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે જરી જેવા બિયારણ સહિતની જરૂરી વસ્તુઓની ખરીદી જિલ્લામાં હાલે કાર્યરત ૨,૬૬૨ જેટલા વિવિધ એગ્રો સેન્ટરોમાંથી કરતાં હોય છે જેમાં ખાતર માટેનાં ૯૧૩, બિયારણ માટેનાં ૮૦૩ અને દવા માટેનાં ૯૪૬ લાઈસન્સ ધારકોનો સમાવેશ થાય છે. જોકે, ખેડૂતોને સબસિડી મળતી હોય તેવા માત્ર ૨૪૦ એગ્રો સેન્ટરો છે.
૧૪ સેમ્પલો પરીક્ષણમાં ઉણા ઉતર્યા
ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ગુણવત્તા યુક્ત મળી રહે અને ખેડૂતોને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર મળે તે માટે વિભાગ દ્વારા વિવિધ એગ્રો સેન્ટરમાં વેચાતા કંપનીઓનાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનું ચેકિંગ હાથ ધરવાની સાથે સાથે તેના સેમ્પલો લઇને પરીક્ષણ માટે પણ મોકલવામાં આવતાં હોય છે. વિભાગમાં હાલે પાંચ જેટલા ઇન્સ્પેક્ટરો દ્વારા સમગ્ર કચ્છમાં એગ્રો સેન્ટરો ઉપર અવિરતપણે તપાસનો દોર હાથ ધરવામાં આવે છે. વાવેતરની સીઝનને ધ્યાને લઇને સેમ્પલોની માત્રા પણ વધારી દેવામાં આવી છે. જેને કારણે અત્યાર સુધીમાં ૮૪૬ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાંથી ૧૪ સેમ્પલો પરીક્ષણમાં ઉણા ઉતર્યા છે. નમૂના ફેલ આવતાં સંબંધિતો સામે કોર્ટ રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાતરનાં ૫ સેમ્પલો પરીક્ષણમાં ફેલ સાબિત થયા
વિભાગની ટીમ દ્વારા જિલ્લાનાં વિવિધ એગ્રો સેન્ટરમાંથી ખાતરનાં ૨૬૯ નમૂના લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓનો રિપોર્ટ પણ આવી ગયો છે. ૨૬૯ નમૂનાઓમાંથી ૫ નમૂનાઓ પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે.નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાંથી બિયારણનાં ૩૭૪ સેમ્લો લેવામાં આવ્યા હતા. બિયારણનાં લેવાયેલા સેમ્પલોને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૪ નમૂનાઓ ફેઇલ થયાનો રિપોર્ટ આવ્યો છે. વિભાગનાં પાંચ ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લાનાં દસ તાલુકાનાં વિવિધ એગ્રો સેન્ટરોમાંથી વિવિધ કંપનીની જંતુનાશક દવાનાં ૧૯૦ જેટલા નમૂનાઓ લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા હતા. આ નમૂનાઓ પૈકી ૫ નમૂનાઓ ફેલ આવ્યા છે.