હવામાન ખાતાની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી તા.૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કોઈ કોઈ જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા છે જેના કારણે હાલ આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે.
દવાનો છાંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ
કમોસમી વરસાદથી મોર લાંબો સમય ભીનો રહેવાથી ફૂલ અને નાની કણી ઝડી જવી, પરાગ નયન પ્રક્રિયામાં અડચણ આવવી, તેમજ પાઉડરી મિલ્ડ્યુ(ભૂકી છારો)અને એન્થ્રાક્નોઝ(કાળવણ)જેવા રોગો ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે. પરિણામે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.આવા સંજોગોમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, વરસાદ આવવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.આ માટે કાર્બેંડેઝિમ અથવા હેક્સાકોનાઝોલ અથવા વેટેબલ સલ્ફરમાંથી કોઈ એક દવાનો છાંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ થઇ શકે છે.












