તાજેતરમાં વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી અને કામ કરતાં નથી તેવી રજૂઆત કરી હતી. આ ધારાસભ્યોના પત્રો બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે જાહેર સભામાં અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી તેવું નિવેદન કરતાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પલટવાર કર્યો હતો.
ચૂંટણી આવી એટલે કેજરીવાલને વડોદરા દેખાયું
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કેજરીવાલને જવાબ આપતાં કહ્યું હતું કે, અધિકારીઓ કામ ન કરે તો બોલવું પડે. સરકાર તો સારી રીતે કામ કરે છે. ચૂંટણી આવી એટલે કેજરીવાલને વડોદરા દેખાયું છે. તેઓ રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા છે. હું કેજરીવાલને ચેલેન્જ આપું છું કે, તેઓ સાવલી આવે અને અમારી જનતાને જાતે વિકાસ થયો કે નહીં તેવું પૂછે. કેજરીવાલના નિવેદન બાદ કેતન ઈનામદારે જવાબ આપતાં રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.













