વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે તોફાની બની હતી. આ સભામાં વિપક્ષને બદલે સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર મનીષ પગારે પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મુજ મહુડા વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા વિલંબને કારણે તેઓ લાલચોળ થયા હતા.


સામાન્ય સભામાં BJP કાઉન્સિલર રોષે ભરાયા

કાઉન્સિલર મનીષ પગારે રોષે ભરાતા જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પાલિકાએ આ પ્રતિમા માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, તેમ છતાં માત્ર મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. બે-બે મેયર બદલાયા છતાં ફાઈલ આગળ વધતી નથી. રજૂઆતો કરવા છતાં કામ ન થતા હવે અમને અમારું અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે."

છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરતા છતા આંખ આડા કાન

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે હિન્દુત્વની વિચારધારા ધરાવતી ભાજપના શાસનમાં જ શિવાજી મહારાજની પ્રતિમા માટે ભીખ માંગવી પડે કે સંઘર્ષ કરવો પડે તે અત્યંત દુઃખની વાત છે. તંત્ર દ્વારા ખોટા બહાના કાઢીને વિરોધ હોવાનું દર્શાવવામાં આવે છે. મનીષ પગારે સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે ગમે તેટલા અવરોધ આવે, તેઓ વહેલી તકે મુજ મહુડા ખાતે શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરીને જ જંપશે. સભામાં પોતાની જ પાર્ટીના કાઉન્સિલરના આ તેવર જોઈ મેયર અને કમિશનર સહિતના હોદ્દેદારો મુંઝવણમાં મુકાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: