વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા ગોત્રીમાં હીટ એન્ડ રનની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા મહિલાને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને મદદ કરવાના બદલે ફરાર થઈ ગયો હતો.


અકસ્માત કરી કારચાલક થયો ફરાર

50 વર્ષીય અમૃતાબેન પ્રજાપતિ ગોત્રી વિસ્તારમાં રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલી એક બેફામ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અમૃતાબેન રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કારચાલકને પકડવા મૃતકના પરિજનોની માગ

માતાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો છે. પરિવારે પોલીસ પાસે માંગ કરી છે કે વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી પાડવામાં આવે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: