જાણીતા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ વડોદરાની મુલાકાત દરમિયાન ધાર્મિક એકતા અને પર્યાવરણ સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ અને વધી રહેલા પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા માટે ભક્તોને આહ્વાન કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા પ્રદીપ મિશ્રાએ જણાવ્યું કે, "હિન્દુઓએ હવે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એક મંચ પર આવવું પડશે."
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઇ ચિંતા
તેમણે ભારપૂર્વક કહ્યું કે જો હિન્દુઓ એકત્ર નહીં થાય તો આવનાર સમય વધુ મુશ્કેલ બની શકે છે. આસ્થાની સાથે સાથે સામાજિક એકતા અત્યંત અનિવાર્ય છે. મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને તેમણે વડોદરામાં “ગ્રીન શિવરાત્રિ” પર્યાવરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. વધતા પ્રદૂષણથી ગંભીર રોગોના ખતરા અંગે ચેતવણી આપતા તેમણે લોકોને તુલસી અને બિલ્વપત્ર જેવા પવિત્ર છોડ વાવવાની અપીલ કરી હતી.













