સંસ્કારી નગરી વડોદરામાં આજે એક જ દિવસમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં બે ભૂલકાઓના કરુણ મોત નિપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કારેલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના પાણીના ટેન્કરની અડફેટે આવતા એક 9 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.


કારેલીબાગમાં ટેન્કરની અડફેટે બાળકનું મોત

કારેલીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, 9 વર્ષનું માસૂમ બાળક રસ્તા પર દોડવા જતું હતું તે જ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પૂરપાટ ઝડપે આવી રહેલું પાણીનું ટેન્કર તેને કચડીને પસાર થઈ ગયું હતું. ટેન્કરના તોતિંગ ટાયર નીચે આવી જવાથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે ટેન્કર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી

ગણતરીના કલાકોમાં જ શહેરમાં બે બાળકોના મોતની ઘટનાએ વાલીઓમાં ફફડાટ અને તંત્ર પ્રત્યે રોષ પેદા કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે પાલિકાના ફાયર વિભાગના ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ગીચ વિસ્તારોમાં પાલિકાના વાહનોની અનિયંત્રિત ગતિ અને ડ્રાઈવરોની બેદરકારી ફરી એકવાર તપાસનો વિષય બની છે. એક તરફ હોસ્પિટલમાં બાળકના પરિવારનો કરુણ આક્રંદ સાંભળી પથ્થર હૃદયના માણસોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: