આગની ઘટનામાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે અમદાવાદ ફાયર વિભાગ હવે ડિજિટલ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે, જેનાથી આગની અથવા ઈમરજન્સીની પરિસ્થિતિમાં ફાયર વિભાગને ત્વરિત જાણ થશે અને માત્ર 10 મિનિટમાં જ ફાયરવિભાગની ટીમ આગના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરશે. કઈ છે ડિજિટલ વ્યવસ્થા જોઈએ આ રિપોર્ટમાં.


સમય બગાડ્યા વગર તરત જ વાહન ઘટનાસ્થળે રવાના થઈ શકશે

અમદાવાદના એક ટેક્નોસેવી યુવાને બનાવેલી SOS એપ્લિકેશનનો ઉપયોગ હવે ફાયર વિભાગ કરવા જઈ રહ્યું છે, જેનાથી ઘટનાસ્થળે પહોંચવામાં ફાયરના વાહનોને મોડું નહી થાય. આ એપ્લિકેશનનો ઉપયોગ અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા નવરાત્રિના તહેવારોમાં કરવામાં આવ્યો હતો. જ્યાં ગરબાના આયોજકોના મોબાઈલ ફોનમાં આ SOS એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી સ્થળ, ક્રાઉડ સહિતની તમામ વિગતો ભરવામાં આવી હતી, જેનાથી જે તે સ્થળે આગની સ્થિતિમાં ફ્કત આ એપ્લિકેશન ઓપન કરી ફક્ત એક બટન દબાવવાની સાથે જ નજીકના ફાયર સ્ટેશનને લાઈવ લોકેશન સાથે એલર્ટ મળી જશે. આ એલર્ટમાં તમામ જરૂરી માહિતી પણ સામેલ હશે. જેના કારણે સમય બગાડ્યા વગર તરત જ વાહન ઘટનાસ્થળે રવાના થઈ શકશે.

સરનામું સમજાવવાની જરૂર નહીં પડે અને સમયની થશે બચત

આ એપ્લિકેશન મારફતે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ પહોંચાડવા માટે હવે સરનામું સમજાવવાની જરૂર નહીં પડે. હાલની પદ્ધતિમાં ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં ફોન કોલ કરવાથી સરનામું સમજાવવું પડે છે અને વાહન પહોંચાડવામાં સરેરાશ 20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. નવી વ્યવસ્થાથી આ સમય 10થી 15 મિનિટ સુધી ઓછો થવાની શક્યતા છે. એટલે કે ઘટનાસ્થળે મદદ વધુ ઝડપથી મળી શકશે. ફાયર વિભાગ દ્વારા દિવાળી પૂર્વે આ એપ્લિકેશન પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવી છે. 40 જેટલા ટ્રાયલ સફળ રહ્યા છે. હવે આગામી સમયમાં શહેરમાં જ્યા રોડની પહોંચ મુશ્કેલ છે અથવા સમય વધુ લાગે છે તે જગ્યાઓને મેપિંગ કરીને સિસ્ટમને વધુ મજબૂત બનાવાશે.

લોકોના જીવ બચાવવાના પ્રયાસોને વધુ અસરકારક બનાવાશે

વપરાશકર્તાઓ પણ આગની તીવ્રતાના ફોટા એપ મારફતે અપલોડ કરી શકશે, જેના આધારે કઈ પ્રકારનું ફાયર વાહન મોકલવું તેની પણ માહિતી મળી જશે. આ નવી ડિજિટલ ફાયર એલર્ટ સિસ્ટમથી સમય બગાડ્યા વગર જીવ બચાવવાના પ્રયાસોને વધુ અસરકારક બનાવાશે એવી આશા છે. નવરાત્રિ બાદ શહેરમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડમાં પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટમાં સફળ રહેલી આ સિસ્ટમથી ફાયર વિભાગની દિવાળી પહેલા આ સિસ્ટમને મોટાપાયે અમલમાં મૂકવાની તૈયારી છે.


  • Follow us on: