અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને ગુરુવારે અઠવાડિયુ પૂર્ણ થયુ છે. આ પ્લેન ક્રેશમાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યો હતો. બાકીના તમામ મુસાફરો મોતને ભેટ્યા હતા. જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ દુર્ઘટના બાદ પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવા માટે ડીએનએ ટેસ્ટ શરુ કરવામાં આવ્યો હતો. ડીએનએ ટેસ્ટથી પરિવારને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે, DNA તપાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલો
પ્લેન ક્રેશ દુર્ઘટના મુદ્દે અમદાવાદ CPનું જી.એસ મલિકે નિવેદન આપ્યુ છે. તેઓએ ડીએનએ ટેસ્ટ મામલે જણાવ્યુ છે કે, DNA તપાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. તપાસ AAIG દ્વારા કરવામાં આવી રહી છે. તો હમણા સુધી 214 જેટલા DNA મેચ થયા છે. જ્યારે 204 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે દુર્ઘટના સમયે મદદ કરનારા તમામ વ્યક્તિઓનો આભાર પણ માન્યો હતો.
બ્લેક બોક્સની તપાસ અંગે પોલીસ કમિશ્નરએ શું કહ્યુ ?
તો એર ઇન્ડિયાની ફ્લાઇટનું બ્લેક બોક્સ મળી આવ્યુ છે. જેના સંદર્ભે અમદાવાદ CP જી.એસ મલિકે જણાવ્યુ હતુ કે, બ્લેક બોક્સની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્લેનના પાર્ટ એક સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. 12 જૂનના રોજ થયેલી દુર્ઘટનામાં 242 મુસાફરો પ્લેનમાં સવાર હતા. 1.40 કલાકે પ્લેન ક્રેશ થયુ હતુ. અને 1.42 કલાકે કંટ્રોલરૂમને માહિતી મળી હતી. તો 1.44 કલાકે કન્ટ્રોલરૂમે પોલીસ કમિશ્નરને માહિતગાર કર્યા હતા. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ રેસ્કયુનું કામ શરૂ કર્યું હતુ. અમદાવાદ CPએ વધુમાં જણાવ્યુ હતુ કે, પેરામિલિટ્રી ફોર્સ, એનડીઆરએફ, સીઆઇએસએફ અને એરફોર્સના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ 19 ફાયર સ્ટેશનના ફાઇટરોએ પોલીસ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. તો મેઘાણી નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ એમ્બ્યુલન્સમાં ઘાયલ લોકોને લઇને ગયા હતા.
'ઝડપથી થઇ રહી છે તપાસ'
પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે દુર્ઘટનાની તપાસ બાબતે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. અને ઝડપથી તપાસ કરાઇ રહી છે. એડી દાખલ કરવી, નિવેદન લેવા, DNA ટેસ્ટ તેમજ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી છે. FSl આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડીએનએ રિપોર્ટ આપ્યા હતા. એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, પોલીસ અને ડોકટરએ ખુબ જ સારી કામગીરી કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 2 મૃતદેહ તરત જ પરિવારને સોંપાયા હતા. મરણ દાખલા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેમની વસ્તુઓ પોલીસે પરિવારને સોંપી હતી.