અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના સંદર્ભેની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું હતું.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ તમામ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવતો શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની સાથે છે. આ દુર્ઘટનામાં નાગરીકો અને સરકારે તમામે એકજૂટ થઇને દિવસ રાત જે સેવાકીય કાર્ય કર્યુ છે તે બિરદાવવા પાત્ર છે.
અત્યાર સુધીમાં કુલ 206 DNA સેમ્પલ મેચ થયા
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે,વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને ગોલ્ડન અવર્સમાં સમયસર અને શ્રેષ્ઠ સારવાર આપીને સિવિલ હોસ્પિટલ તંત્રએ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.જેના પરિણામે જ ઘટનાની ફક્ત 45 થી 50 મીનિટમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા 71 જેટલા દર્દીઓને સઘન સારવાર આપીને તેમાંથી 68 ના જીવ બચાવવામાં સફળતા મળી છે.અત્યાર સુધીમાં કુલ 206 DNA સેમ્પલ મેચ થયા છે.જેમાં 154 ભારતીય, 6 પોર્ટુગીઝ, 37 બ્રિટન અને 1 કેનેડાના તેમજ 8 નોન પેસેન્જર નાગરીકનો સમાવેશ થાય છે.જેમાંથી 169 મૃતદેહોને સન્માનપૂર્વક સમગ્ર પ્રક્રિયા ગણતરીની મીનિટોમાં જ પૂર્ણ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
તબીબોને અંદાજીત કુલ 2.69 કરોડનું નુકશાન
તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનામાં 139થી વધુ ફાયર વાહનો, 612થી વધુ ફાયર કર્મચારીઓ, 679 સેના કર્મીઓ, 100થી વધુ એમ્બ્યુલન્સ, 591થી વધુ આરોગ્ય કર્મચારીઓ, 25 જેટલી ટ્રોમા ટીમ તથા ૩૬થી વધુ ફોરેન્સિક નિષ્ણાંતો રાત દિવસ 24*7 કામગીરી કરી છે.આ સમગ્ર ઘટનામાં 97 જેટલા તબીબી વિદ્યાર્થીઓ / જુનિયર તબીબોને અંદાજીત કુલ 2.69 કરોડનું નુકશાન નોંધાયું છે. જેની પોલીસ ફરિયાદની કાર્યવાહી હાલ ચાલુ છે.વધુમાં હોસ્ટેલમાં થયેલ નુકસાન તેમજ અન્ય સંપત્તિના નુકસાન સંદર્ભેની વિગતો મેળવીને રાજ્ય સરકાર દ્વારા વળતર માટેનો ક્લેઇમ એર ઈન્ડિયાને કરવામાં આવશે. આ સમગ્ર દુર્ઘટના દરમિયાન રાઉન્ડ ક્લોક ખડે પગે સેવાકીય કાર્ય કરનાર આરોગ્ય કર્મીઓ પોલીસ જવાનો સહિતના તમામ લોકો,સ્વયંસેવકો, મીડિયા કર્મીઓનો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.